તેલંગાણાની કંપનીને સોંપાયો 4 મુખ્ય ઝેરી સાપોનો ઝેરનો જથ્થો
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે કાર્યરત સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SRI) દ્વારા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની કડક માર્ગદર્શિકા હેઠળ ઉચ્ચ ગુણવત્તાવાળું લાયોફિલાઇઝ્ડ ઝેર એકત્ર કરવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે, ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન (GFRF) એ આ ઝેરનો જથ્થો તેલંગાણા સ્થિત લાયસન્સ પ્રાપ્ત કંપની મેસર્સ વિન્સ બાયોપ્રોડક્ટ્સ લિમિટેડને સુપ્રત કર્યો છે. વન વિભાગ દ્વારા સોંપવામાં આવેલા કુલ જથ્થામાં 33.37 ગ્રામ ભારતીય નાગ, 2.67 ગ્રામ કાળોતરો, 30.82 ગ્રામ ખડચિતળો અને 1.71 ગ્રામ ફુરસાના ઝેરનો સમાવેશ થાય છે. આ કંપની સર્પદંશ ઉપરાંત ધનુર અને ડિપ્થેરિયાની રસી બનાવવામાં નિષ્ણાત છે.
ભૌગોલિક વિવિધતા અને સ્થાનિક વેનમની તાતી જરૂરિયાત
જીએફઆરએફના ડાયરેક્ટર એસ. કે. શ્રીવાસ્તવ અને સંસ્થાના વાઇસ-ચેરમેન ડૉ. ડી. સી. પટેલના જણાવ્યા અનુસાર, દેશભરમાં વર્ષ 2022 માં વન્યજીવોના હુમલામાં 550 લોકોના મોત થયા હતા, જ્યારે તેની સામે સર્પદંશથી અંદાજે 65,000 લોકોએ જીવ ગુમાવ્યા હતા. નિષ્ણાતોના મતે, એક જ પ્રજાતિના સાપનું ઝેર પણ ભૌગોલિક વિસ્તાર (Geographical Area) પ્રમાણે બદલાય છે.
અન્ય રાજ્યોના સાપોના ઝેરમાંથી બનેલી રસી ગુજરાતના સ્થાનિક સાપોના કરડવા સામે સંપૂર્ણ અસરકારક રહેતી નથી. આથી, ગુજરાતના જ સાપોના ઝેરમાંથી બનેલી પ્રદેશ-વિશિષ્ટ રસી વધુ ગુણકારી રહેશે, સારવારમાં ઓછો ડોઝ આપવો પડશે અને દર્દીઓમાં ઓર્ગન ફેઇલ્યોર (Organ Failure) જેવી ગંભીર સમસ્યાઓ અટકાવી શકાશે.
આંતરરાષ્ટ્રીય સ્તરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રાષ્ટ્રીય મિશન
ધરમપુર ખાતેના આ કેન્દ્રમાં હાલમાં 471 જેટલા ઝેરી સાપો રાખવામાં આવ્યા છે. તમિલનાડુ (Tamil Nadu) ની ઇરુલા સોસાયટી બાદ આ દેશની માત્ર બીજી એવી સંસ્થા છે જે એન્ટી-વેનમ (Anti-Venom) માટે ઝેર મેળવે છે. તાજેતરમાં જ સાપના ઝેરની પ્રથમ ઈ-હરાજી (E-Auction) દરમિયાન કેન્દ્રને આંતરરાષ્ટ્રીય સ્વીકૃત ધોરણોને કારણે અપેક્ષા કરતાં વધુ ઉંચી કિંમત મળી હતી. આ સંસ્થાના વૈશ્વિક સ્તરના વિસ્તરણ માટે ગુજરાત સરકારે વલસાડ જિલ્લામાં 2.25 હેક્ટર જમીન ફાળવી છે અને ₹11.68 કરોડની દરખાસ્ત પણ સબમિટ કરી છે.
આ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM Narendra Modi) દ્વારા વર્ષ 2024 માં લોન્ચ કરાયેલા 'નેશનલ એક્શન પ્લાન ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ સ્નેકબાઈટ એન્વેનોમિંગ' (NAP-SE) ના રાષ્ટ્રીય મિશનને મોટો ટેકો આપશે. આ રાષ્ટ્રીય મિશનનો હેતુ વર્ષ 2030 સુધીમાં સર્પદંશથી થતા મૃત્યુમાં 50 ટકાનો ઘટાડો કરવાનો છે, જેમાં ગુજરાતનું આ પ્રદેશ-વિશિષ્ટ વેનમ અગ્રણી ભૂમિકા ભજવશે.
આ પણ વાંંચો: એન્જિનિયરિંગની કમાલ: 1,272 કેબલ સ્ટેડ અને 672 ટનની ક્ષમતાવાળો હાઈટેક બ્રિજ શરૂ, જુઓ Video