Amreli News: સિંહોના મોત ક્યારે અટકશે? વધુ એક ગર્ભવતી સિંહણનું મોત થતાં તંત્ર સામે સવાલો
Amreli News: અમરેલીના સરસિયા રાઉન્ડ હેઠળ આવતા લુવારિયા વીડી વિસ્તારમાં એક સિંહણનું મોત થતા વન્યજીવ પ્રેમીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ આ સિંહણ છેલ્લા 2-3 દિવસથી બીમાર હોવાનું ધ્યાને આવ્યું હતું. આ વિસ્તારમાં સિંહણ બીમારીથી પીડાતી હોવા છતાં સમયસર સારવાર કે દેખરેખના અભાવે તેનું કરુણ મોત નીપજ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ગર્ભકાળ દરમિયાન બીમારી બની જીવલેણ
મળતી વિગતો અનુસાર, સિંહણ ગર્ભવતી હતી અને બીમારીના કારણે તે ગંભીર સ્થિતિમાં હતી. ગર્ભકાળના સમયમાં સિંહણને વધુ સુરક્ષા અને તાત્કાલિક સારવારની જરૂરિયાત હોય છે, પરંતુ યોગ્ય સમયે મદદ ન મળતા તેનું મોત થયું હોવાનું આક્ષેપ થઈ રહ્યા છે.
ધારી ગીરમાં સિંહોના મોતનો વધતો આંકડો
છેલ્લા થોડા સમયમાં ધારી ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વિસ્તારમાં 12 થી વધુ સિંહોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. સિંહોના મોતના વધતા જતા આંકડાને લઈને વન વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. ખાસ કરીને ધારી ગીર પૂર્વના જવાબદાર અધિકારીઓ ફોન રિસીવ કરવાનું ટાળતા હોવાથી સ્થાનિક લોકો અને વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહેલી તકે આ અંગે તપાસ કરીને યોગ્ય પગલાં લેવા લોકમાગ ઉઠી છે.
આ પણ વાંચો: 4 સિંહ બાળના મૃત્યુ બાદ સઘન મોનિટરિંગ શરૂ, CM એ યોજી બેઠક


