Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bharuch News: મહિલાઓના વાળ ખરીદવાની આડમાં લાખોની ચોરી, 6 ઘરફોડ ચોરીના ગુનામાં 2 તસ્કરો ઝડપાયા

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) આંબાવાડી અને મહિલાઓના વાળ ખરીદવાના બહાને ગામડાઓમાં રેકી કરી ઘરફોડ ચોરી કરનાર બે રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા છે. ઝઘડિયાના ફીચવાડા ગામે રૂ. 25 લાખની ચોરી સહિત કુલ 6 ગુનાઓમાં સંડોવાયેલા આ આરોપીઓની ધરપકડ બાદ પોલીસ અન્ય ફરાર સાગરીતોની શોધખોળ કરી રહી છે. આ ઘટનાએ ગ્રામીણ વિસ્તારોમાં સુરક્ષા અંગે ચિંતા વધારી છે.
bharuch news  મહિલાઓના વાળ ખરીદવાની આડમાં લાખોની ચોરી  6 ઘરફોડ ચોરીના ગુનામાં 2 તસ્કરો ઝડપાયા
Advertisement

Bharuch News: ભરૂચ જિલ્લામાં ઘરફોડ ચોરીના વધતા ગુનાઓ વચ્ચે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ઝઘડિયા તાલુકાના ફીચવાડા ગામે થયેલી રૂ.25 લાખની ઘરફોડ ચોરી સહિત કુલ 6 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી પોલીસે બે રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા છે. ચોરી માટે આરોપીઓએ અપનાવેલી મોડસ ઓપરેન્ડી પણ ચોંકાવનારી છે. મહિલાઓના વાળ ખરીદવાના બહાને ગામોમાં રેકી કરી રાત્રે મકાનોને નિશાન બનાવતા હતા.

25 લાખ રૂપિયાની ચોરી કરી હતી

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ફીચવાડા ગામે 14 અને 15 મેની રાત્રે અજાણ્યા તસ્કરોએ મકાનમાં ઘૂસી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી અંદાજે 25 લાખ રૂપિયાની ચોરી આચરી હતી. ત્યારબાદ અછાલીયા ગામે પણ સમાન પ્રકારની ઘરફોડ ચોરીની ઘટના સામે આવી હતી. બંને ગુનાઓને ગંભીરતાથી લઈ ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ શરૂ કરી હતી.

Advertisement

પોલીસે બે શખ્સોને દબોચ્યા

તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે દિનેશ પટેલીયા અને ખાટાભાઈ વાઘેલા નામના બે શખ્સો આ ચોરીઓમાં સંડોવાયેલા છે અને તેઓ અંકલેશ્વરના બકરા બજાર વિસ્તારમાં ફરતા જોવા મળ્યા છે. જેના આધારે એલસીબીએ બંનેને ઝડપી પાડી પૂછપરછ કરતા ચોરીની કબૂલાત કરી હતી.

Advertisement

મહિલાઓના વાળ ખરીદવાના બહાને મકાનોની રેકી

પોલીસ તપાસમાં સામે આવ્યું કે બંને આરોપીઓ કેરીની સીઝનમાં આંબાવાડી ભાગે રાખવાનું કામ કરતા હતા. આ દરમિયાન તેઓ અન્ય સાગરીતો સાથે મળી ગામડાઓમાં મહિલાઓના વાળની ઘુંચ ખરીદવાના બહાને ફરી બંધ મકાનોની રેકી કરતા હતા. ત્યારબાદ રાત્રિના સમયે મકાનોમાં પ્રવેશી ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા.

અન્ય ચોરીઓના ભેદ પણ ખૂલ્યા

આરોપીઓએ ફીચવાડા ગામે રસોડાની બારી મારફતે ઘરમાં પ્રવેશ કરી ચોરી કરી હતી, જ્યારે અછાલીયા ગામે ડીજેના મોટા અવાજનો લાભ લઈ મકાનના પાછળના દરવાજાનો નકૂચો તોડી ચોરી આચરી હતી. પોલીસે તપાસમાં આરોપીઓએ વર્ષ 2021 અને 2024 દરમિયાન પણ અછાલીયા, પ્રાંકડ, સારસા અને નવા ટોઠીદરા ગામોમાં ઘરફોડ ચોરીઓ કર્યાની કબૂલાત કરી છે.

પોલીસે રોકડ સહિત મુદ્દામાલ જપ્ત કર્યો

પોલીસે બંને આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત કુલ રૂ.25,720નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે અન્ય ફરાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ તેજ કરવામાં આવી છે.

આગળની તપાસ હાથ ધરાઈ

નોંધનીય છે કે આંબાવાડી રાખવાના તથા મહિલાઓના વાળ ખરીદવાના બહાને ગામડાઓમાં ફરી રેકી કરી ઘરફોડ ચોરીઓને અંજામ આપતી ગેંગનો પર્દાફાશ કરીને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. હવે પોલીસ બે ફરાર આરોપીઓને ઝડપી સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે.

અહેવાલ: દિનેશ મકવાણા ભરૂચ

આ પણ વાંચોઃ Bhavnagar News: દીકરી પર થતો અત્યાચાર રોકવા જતાં જમાઈએ સસરાને પતાવી દીધા, કાળજું કંપાવતી ઘટના

Tags :
Advertisement

.

×