Junagadh: રેલવે તંત્રની ઘોર બેદરકારી, ફાટક ખુલ્લું હોવા છતાં આવી પહોંચી ટ્રેન, મોટી દુર્ઘટના ટળી
Junagadh Railway Negligence: જૂનાગઢ શહેરમાં આવેલા ભુતનાથ ફાટક પર રેલવે તંત્રની ભારે બેદરકારીના કારણે આજે મોટી દુર્ઘટના સર્જાતા માંડ-માંડ ટળી હતી. ફાટક બંધ કરવાનું રેલવે કર્મચારીઓનું કામ હોય છે, પરંતુ આજે ફાટક ખુલ્લું હોવા છતાં ટ્રેન આવી પહોંચતા રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ટ્રેન આવવાની હોવા છતાં ફાટક બંધ ન કર્યું
ભુતનાથ ફાટક પર ટ્રેન આવવાની હોવા છતાં ફાટક બંધ કરવામાં આવ્યું ન હતું, જેના કારણે વાહનચાલકો ફાટક પરથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે જ ટ્રેન આવી પહોંચતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, ત્યાં ફરજ પરના ટ્રાફિક બ્રિગેડના જવાનોએ સમયસૂચકતા વાપરી બંને બાજુથી આવતો વાહનવ્યવહાર તાત્કાલિક અટકાવી દીધો હતો. સદનસીબે, ટ્રેન મીટર ગેજ હોવાથી તેની ગતિ ઓછી હતી, પરિણામે પાયલોટે ફાટક વચ્ચે જ ટ્રેન ઉભી રાખી દીધી હતી અને મોટી હોનારત ટળી હતી.
Junagadh: સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
રેલવે કર્મચારીઓની આ ઘોર બેદરકારી જોઈને ત્યાં હાજર એક સ્થાનિક વ્યક્તિએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ફાટક ખુલ્લું છે અને ટ્રેન ફાટક સુધી પહોંચી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રેલવે તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.
આ પણ વાંચો: Vadodara: કરજણ નર્મદા નદીમાં નહાવા પડેલા 3 મિત્રો ડૂબ્યા, 1ને બચાવી લેવાયો જ્યારે 2 ની શોધખોળ


