Kheda: ધારાસભ્ય Sanjaysinh Mahida દ્વારા 101 દીકરીઓના ચોથા ભવ્ય સમૂહ લગ્ન યોજાયા
- Kheda Mass Wedding: નડિયાદ-ડાકોર રોડ પર યોજાયા સમૂહ લગ્ન
- 101 દીકરીઓના ધામધૂમથી ભવ્ય સમૂહ લગ્ન
- મંત્રી સંજયસિંહ મહિડાનું ભવ્ય સેવાકીય આયોજન
- સમૂહ લગ્નમાં ભાજપ પ્રદેશ પ્રમુખે આપી હાજરી
Kheda Mass Wedding: મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા (Sanjaysinh Mahida) અને શિવાજી ફાઉન્ડેશન દ્વારા સમાજ સેવાના ઉત્કૃષ્ટ ઉદાહરણ રૂપે આજે ચોથા ભવ્ય સમૂહ લગ્નનું (Mass Wedding) આયોજન નડિયાદ-ડાકોર રોડ પર આવેલા આડીનાર ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મા-બાપ વિહોણી અને જરુરિયાતમંદ પરિવારની 101 દીકરીઓના લગ્ન અત્યંત ધામધૂમથી લગ્ન કરાવ્યા છે. મંત્રી સંજયસિંહ મહિડાએ તમામ દીકરીઓને વિદાય આપી વખતે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે આ આયોજન દર વર્ષે ધારાસભ્ય દ્વારા કરવામાં આવે છે.
રાજકીય મહાનુભાવો અને સંતોની ગરિમામય હાજરી
આ મંગલમય પ્રસંગે આશીર્વાદ આપવા માટે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા (Jagdishbhai Vishwakarma) અને સાંસદ દેવુસિંહ ચૌહાણ (Devusinh Chauhan) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી જગદીશભાઈએ પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી (Schedule) સમય કાઢીને નવદંપતીઓને સુખી જીવનના આશીર્વાદ આપ્યા હતા. ઉપરાંત વિવિધ સંપ્રદાયોના સંતો-મહંતો અને સામાજિક અગ્રણીઓએ (Social Leaders) હાજર રહીને શાસ્ત્રોક્ત વિધિ મુજબ સંપન્ન થયેલા લગ્નોમાં નવયુગલો પર પુષ્પવર્ષા કરી હતી. આ આયોજન છેલ્લા ચાર મહિનાની સખત મહેનત અને આયોજનબદ્ધ તૈયારીઓનું પરિણામ હતું, જેમાં શિવાજી ફાઉન્ડેશનના કાર્યકરોએ રાત-દિવસ જોયા વગર સેવા આપી હતી.
દીકરી એ ઘરની લક્ષ્મી છે: જગદીશભાઈ વિશ્વકર્મા
સમૂહલ લગ્નમાં સંબોધન કરતા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે "આજે સંજયસિંહ મહિડા દ્વારા આયોજિત આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહેવું એ મારા માટે સૌભાગ્યની વાત છે. મા-બાપ વિહોણી દીકરીઓના લગ્ન કરાવવા એ દુનિયાનું સૌથી મોટું પુણ્યનું કામ છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, દીકરી જ્યારે સાસરે જાય ત્યારે વરરાજાએ અને તેના પરિવારે તેનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કારણ કે તે લક્ષ્મીનું સ્વરૂપ છે. જગદીશભાઈએ દાતાઓને બિરદાવતા કહ્યું કે જીવનની કમાણીનો સાચો ઉપયોગ આવા પરોપકારી કાર્યોમાં જ છે. તેમણે રાજ્ય સરકારની 'કુંવરબાઈનું મામેરું' જેવી કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા પણ નવદંપતીઓને અનુરોધ કર્યો હતો.
ભવ્ય કરિયાવર અને દાતાઓનું વિશિષ્ટ યોગદાન
આ સમૂહ લગ્નની વિશેષતા એ હતી કે દરેક દીકરીને ઘરવખરીની તમામ આવશ્યક ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. કરિયાવરમાં LED ટીવી, ફ્રીજ, અને અન્ય જીવનજરૂરી સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેથી નવદંપતીઓને નવું જીવન શરૂ કરવામાં કોઈ આર્થિક મુશ્કેલી ન નડે. આ ઉમદા કાર્યમાં અનેક દાતાઓએ ઉદાર હાથે ફાળો આપ્યો હતો. સંજયસિંહ મહિડાએ તમામ દીકરીઓના પિતા સમાન બનીને દરેક વ્યવસ્થાનું વ્યક્તિગત ધ્યાન રાખ્યું હતું. શિવાજી ફાઉન્ડેશનની આ પહેલને સમગ્ર પંથકમાં ભારોભાર પ્રશંસા મળી રહી છે.
સમૂહ લગ્ન બન્યા માનવતાનું ઉત્તમ ઉદાહરણ
101 નવયુગલોએ સપ્તપદીના ફેરા ફરીને નવા જીવનના શ્રીગણેશ કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ જણાવ્યું હતું કે સમૂહ લગ્ન એ સમયની માંગ છે, જેનાથી ખોટા ખર્ચાઓ અટકે છે અને સમાજમાં એકતાનો સંદેશ જાય છે. આયોજનના અંતે મંત્રી સંજયસિંહ મહિડાએ તમામ સ્વયંસેવકો, દાતાઓનો આભાર માન્યો હતો. આ ભવ્ય પ્રસંગ માત્ર લગ્નનો ઉત્સવ ન બની રહેતા માનવતા અને સામાજિક જવાબદારીનું એક અજોડ પ્રતીક બની રહ્યો હતો.
આ પણ વાંચોઃ સુરતમાં Vibrant Gujarat નો દબદબો, 2 દિવસમાં 2792 જેટલા MOU, શું વાઈબ્રન્ટનો સીધો ફાયદો વેપારીઓને થશે?


