![Nadiad News, Pij Village, Kheda District, Water Crisis_GujaratFirst]()
ઉંદર નીકળતાં જ લોકો સ્તબ્ધ
મળતી જાણકારી અનુસાર પીજ ગામમાં ઘણા સમયથી લોકો પાણીની સમસ્યાથી ત્રાસી ગયા છે. ગામમાં પાંચ દિવસથી પાણી આવ્યું નથી. ત્યારે ગામના લુહાર ફળિયા (Luhar Faliya)માં ટેન્કરથી પુરુ પાડવામાં આવતાં પાણીમાંથી મરેલો ઉંદર નીકળતાં ગામની મહિલાઓમાં સ્તબ્ધ થઈ ગયા હતા. આ દ્રશ્ય જોતાં જ સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. લોકોએ આક્ષેપ કર્યો હતો કે તંત્ર દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવી રહ્યા છે.
મરેલો ઉંદર હાથમાં પકડી વિરોધ
ઘટનાની ગંભીરતાને જોતા લુહાર ફળિયાના પુરુષો અને મહિલાઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. રોષે ભરાયેલા ગ્રામજનો મરેલા ઉંદરને લટકાવીને પંચાયત કચેરી (Panchayat Office) સુધી લઈ ગયા હતા. સ્થાનિકોએ મરેલા ઉંદરને આગળ ધરીને પંચાયત વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આક્રોશ એટલો બધો હતો કે મહિલાઓએ પંચાયત પાસે ડોલો ફેંકી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. પંચાયતમાં સરપંચ કે તલાટી (Talati) હાજર નહોતા, જેથી લોકોએ પંચાયતની બહાર જ મરેલો ઉંદર હાથમાં પકડીને પ્રદર્શન કર્યું હતું.
બીમાર પડીએ તો જવાબદાર કોણ?
સ્થાનિક રહીશોએ તંત્ર સામે આકરા સવાલો કર્યા હતા. તેમણે પૂછ્યું હતું કે, "જો અમે આવું પ્રદૂષિત અને ઉંદરવાળું પાણી પીએ અને ગામમાં રોગચાળો ફાટી નીકળે તો તેની જવાબદારી કોણ લેશે?" લોકોએ આક્ષેપ કર્યો હતો કે ટેન્કરની સાફ-સફાઈ કર્યા વગર જ સીધું પાણી ભરીને મોકલી દેવામાં આવે છે.
![Nadiad News, Pij Village, Kheda District, Water Crisis_GujaratFirst (1) 22]()
પંચાયતને હેરાન કરવાનું કાવતરું?
આ સમગ્ર મામલે ગામના મહિલા સરપંચ શીતલબેન તડવી (Shitalben Tadvi) એ પોતાનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે, ટેક્નિકલ કારણોસર હાલ પાણી પુરવઠો ખોરવાયો છે. પાણીનો વાલ્વ જામ થઈ ગયો હોવાથી રિપેરિંગ કામ ચાલુ છે, જેના કારણે પાણી ધીમું આવે છે. ટેન્કરમાંથી ઉંદર નીકળવાની ઘટના અંગે તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, "છેલ્લા ચાર વર્ષથી આ ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે, ક્યારેય આવી ઘટના બની નથી. ટેન્કરમાં ઉંદર કઈ રીતે ગયો તે શંકાસ્પદ છે. પંચાયતને બદનામ કરવા અને ખોટી રીતે હેરાન કરવા માટે આવું કરવામાં આવ્યું હોય તેવું લાગે છે. હાલ તો આ મામલે પીજ ગામમાં તણાવભર્યો માહોલ છે અને લોકો સ્વચ્છ પાણીની કાયમી સુવિધાની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Kheda જીલ્લામાં વધુ એક ભયંકર અકસ્માત, સંધાણા પાસે વાયર ભરેલું કન્ટેનર હોટલમાં ઘૂસી ગયું
આ પણ વાંચોઃ Kheda Land Scam: કૌભાંડી શિક્ષક આશિષ પટેલ સસ્પેન્ડ, જાણો સમગ્ર મામલો