Mahisagar News: નેતાઓને વીડિયો-ફોટો વાયરલ કરવાની ધમકી આપી ખંડણી ઉઘરાવતો નકલી પત્રકાર ઝડપાયો
- મહીસાગરમાં ખંડણી માગનાર નકલી પત્રકાર ઝડપાયો
- વિરપુરના પ્રતિષ્ઠિત, રાજકીય આગેવાનોને ધમકી આપતો
- ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો
Mahisagar News: મહીસાગર જિલ્લાના વિરપુર પંથકમાં પત્રકારત્વની આડમાં આતંક મચાવનાર એક નકલી પત્રકારને પોલીસે આખરે જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. તેજેન્દ્ર રાઠોડ નામના આ વ્યક્તિએ લાંબા સમયથી પ્રતિષ્ઠિત નાગરિકો અને રાજકીય આગેવાનોને પોતાની ધમકીઓનો શિકાર બનાવ્યા હતા. આરોપી પોતાની ઓળખ પત્રકાર તરીકે આપીને સમાજમાં રોફ જમાવતો હતો અને લોકો પાસેથી આર્થિક લાભ મેળવવા માટે ખોટું દબાણ કરતો હતો.
બે ફરિયાદો બાદ કાર્યવાહી
પ્રાપ્ત વિગતો અનુસાર, તેજેન્દ્ર રાઠોડ સ્થાનિક લોકોના અંગત ફોટા અને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી (Threatening) આપીને તેમની પાસે મોટી રકમની ખંડણી (Extortion) માંગતો હતો. તે લોકોને ડરાવી-ધમકાવીને ભયનું વાતાવરણ ઊભું કરવામાં માહિર હતો. આ સમગ્ર પ્રકરણમાં ભોગ બનનાર વ્યક્તિઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં કુલ બે ફરિયાદો નોંધવામાં આવી હતી, જેના આધારે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.
નકલી પત્રકાર વીરપુરથી સુરેન્દ્રનગર ભાગી ગયો હતો
પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે, આ નકલી પત્રકાર વિરપુરથી ભાગીને સુરેન્દ્રનગર શિફ્ટ (Relocated) થઈ ગયો હતો. પોલીસની પકડથી બચવા માટે તેણે સતત પોતાના રહેઠાણો બદલ્યા હતા. જોકે, મહીસાગર પોલીસની ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારો દ્વારા મળતી માહિતી (Intelligence Input) ને આધારે પોલીસે તેને જૂનાગઢથી ઝડપી પાડ્યો હતો. આ સમગ્ર કામગીરીમાં કેટલાક સ્થાનિક જાગૃત લોકોએ પોલીસને મહત્વની વિગતો પૂરી પાડી હતી, જેના કારણે આરોપી સુધી પહોંચવું પોલીસ માટે સરળ બન્યું હતું. હાલમાં, આ શખ્સની ધરપકડ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેને પગલે પંથકના અનેક લોકોએ હાશકારો અનુભવ્યો છે.
આ પણ વાંચોઃ Ahmedabad Firing Case: ફાયરિંગ બાદ પોલીસ સ્ટેશનમાં નિવૃત DySP એ કરી દાદાગીરી


