Narmda News: સાંસદે મહેશ વસાવાને આડે હાથ લીધા, કહ્યું કોઈ પક્ષમાં ટકતા નથી, ભાજપમાં રહ્યા હોત તો...
Narmda News: રાજ્યના રાજકારણમાં ફરી એકવાર પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવાના રાજીનામાને લઈને ચર્ચાઓનું બજાર ગરમ થયું છે. લાંબા સમયથી રાજકીય ઉથલપાથલ વચ્ચે મહેશ વસાવાએ કોંગ્રેસ (Indian National Congress) પક્ષમાંથી રાજીનામું આપતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. આ સમગ્ર ઘટનાક્રમ પર ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ તીખી પ્રતિક્રિયા આપતા આકરા પ્રહાર કર્યા છે.
ભાજપમાં રહ્યાં હોત તો...
સાંસદ મનસુખભાઈ વસાવાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, મહેશભાઈ વસાવા ક્યારેય કોઈ એક પક્ષ સાથે લાંબો સમય ટકી શક્યા નથી. તેમણે કહ્યું કે, "મહેશભાઈ વસાવા BTP છોડીને અત્યાર સુધી ઘણી પાર્ટીઓમાં જોડાઈ ચૂક્યા છે, જે તેમની રાજકીય અસ્થિરતા દર્શાવે છે." મનસુખભાઈ વસાવાએ વધુમાં ઉમેર્યું કે જો તેઓ ભારતીય જનતા પાર્ટીમાં રહ્યા હોત, તો તેમનું રાજકીય ભવિષ્ય વધુ ઉજ્જવળ બની શક્યું હોત.
'મહેશભાઈ વસાવા AAP પાર્ટીના સંપર્કમાં'
સાંસદ મનસુખભાઈ વસાવાએ આક્ષેપ કર્યો છે કે મહેશભાઈ વસાવા હાલ આમ આદમી પાર્ટી (AAP) ના સંપર્કમાં હોવાની સંભાવના છે. તેમણે વધુમાં ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, BTP (Bharatiya Tribal Party) ને તોડનાર અન્ય કોઈ નહીં પણ AAP ના જ નેતાઓ છે. મનસુખભાઈ વસાવાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, "અમે છોટુભાઈ વસાવાની વિચારધારાને ક્યારેય નુકસાન પહોંચાડ્યું નથી, પરંતુ ચૈતરભાઈ વસાવાએ છોટુભાઈની વિચારધારાનો અનાદર કર્યો છે."
આ સમગ્ર ઘટનાક્રમ આદિવાસી પટ્ટાના રાજકારણમાં મોટો વળાંક સાબિત થઈ શકે છે. મહેશ વસાવાનું રાજીનામું અને ત્યારબાદ સાંસદ મનસુખભાઈ વસાવાએ કરેલી ટિપ્પણીઓ આગામી દિવસોમાં સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો સર્જી શકે છે.
આ પણ વાંચોઃ Mahisagar News: નેતાઓને વીડિયો-ફોટો વાયરલ કરવાની ધમકી આપી ખંડણી ઉઘરાવતો નકલી પત્રકાર ઝડપાયો


