Navsari Rain News : ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સમગ્ર વિસ્તારમાં છવાયો અંધારપટ
Navsari Rain News : ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે નવસારીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. નવસારી જિલ્લામાં જૂન મહિનાના પ્રારંભમાં જ વરસાદ વરસ્યો છે. આજે વહેલી સવારે 3 વાગ્યે ગાજવીજ અને તેજ પવન સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે નવસારીવાસીઓને સોમવારના અસહ્ય ઉકળાટ અને બફારામાંથી મોટી રાહત મળી છે. જોકે, આ વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો (Power supply) સંપૂર્ણપણે ખોરવાઈ જતાં લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
Navsari Rain News : અંધારપટ છવાતા રહીશોની ઊંઘ હરામ
ઉલ્લેખનીય છે કે વરસાદ અને ભારે પવનના કારણે વિજલપોર, રૂસ્તમવાડી, શાંતાદેવી રોડ, સ્ટેશન રોડ અને મિથિલા નગરી જેવા વિસ્તારોમાં સતત 3 કલાક સુધી અંધારપટ છવાયેલો રહ્યો હતો. રાત્રે 3 વાગ્યે વીજળી ગુલ થતાં બફારા વચ્ચે સ્થાનિક રહીશોની ઊંઘ ઉડી ગઈ હતી અને તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. વીજ વિભાગની મેન્ટેનન્સ ટીમ છેક સવારે 6 વાગ્યે સ્થળ પર પહોંચતા સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો.
ખેડૂતોમાં ખુશીની સાથે ચિંતાનું મોજું
જૂન મહિનાની શરૂઆતમાં જ થયેલી આ મેઘમહેરથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ બીજી તરફ કેરીના પાક (Mango crop) ને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. ચોમાસાના આગમન સાથે જ આ પ્રકારની હવામાન વિભાગની આગાહી સાચી પડતા ખેડૂતો હવે આગામી દિવસોમાં પાકની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે.


