Sabar Dairy: ચેરમેનની ચેમ્બરમાં જ ડિરેક્ટરો વચ્ચે 'લાતોવાળી', માહિતી માંગતા જ મામલો બિચક્યો
- Sabar Dairy માં દૂધના કૌભાંડના આક્ષેપો બાદ ડેરીમાં ભારે તણાવ
- સાબરડેરીમાં ડિરેક્ટરો વચ્ચે હંગામો, ચેરમેનની ચેમ્બરમાં જ મારામારી
- બે સિનિયર ડિરેક્ટરોએ સાથે મળી સાથી ડિરેક્ટર પર કર્યો હુમલો
- ખુરશી પર બેઠેલા ડિરેક્ટર જશુ પટેલને લાતો મારી નીચે પાડી દેવાયા
- અચાનક થયેલા હુમલાને કારણે ડિરેક્ટર જશુ પટેલને ઈજાઓ
- દૂધના વહીવટમાં ગરબડ મુદ્દે માહિતી માંગતા જ મામલો બિચક્યો
Sabar Dairy Controversy : સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી (Sabar Dairy) ફરી એકવાર વિવાદોના વંટોળે ચડી છે. ડેરીના વહીવટમાં ચાલી રહેલી કથિત ગેરરીતિઓ અને દૂધના કૌભાંડ (Milk Scam) ના આક્ષેપો વચ્ચે આજે સ્થિતિ એટલી હદે વણસી હતી કે, ચેરમેન (Chairman) ની ચેમ્બરમાં જ ડિરેક્ટરો વચ્ચે સામસામે જંગ ખેલાયો હતો. બે સિનિયર ડિરેક્ટરોએ સાથે મળીને સાથી ડિરેક્ટર જશુ પટેલ પર હુમલો કરતા ડેરી પરિસરમાં ભારે તણાવ વ્યાપી ગયો છે.
Sabar Dairy માં માહિતી માંગતા જ મામલો બિચક્યો
મળતી માહિતી મુજબ, સાબર ડેરી(Sabar Dairy) ના વહીવટ અને દૂધના જથ્થામાં થતી કથિત ગરબડ અંગે ડિરેક્ટર જશુ પટેલે (jashu Patel) સવાલો ઉઠાવ્યા હતા. તેઓ જ્યારે વહીવટમાં પારદર્શિતા લાવવા માટે ચોક્કસ માહિતીની માંગણી કરી રહ્યા હતા, ત્યારે અન્ય ડિરેક્ટરો ઉશ્કેરાઈ ગયા હતા. ચર્ચા દરમિયાન મામલો એટલો ગરમાયો હતો કે બે સિનિયર ડિરેક્ટરોએ મર્યાદા ઓળંગીને જશુ પટેલ પર લાતો અને મુક્કા વડે હુમલો કરી દીધો હતો.
Sabar Dairy માં ડિરેક્ટરો વચ્ચે 'લાતોવાળી'
પ્રત્યક્ષદર્શીઓ અને સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલો એટલો અચાનક અને ઉગ્ર હતો કે પોતાની ખુરશી પર બેઠેલા જશુ પટેલ (jashu Patel) ને લાતો મારીને નીચે પાડી દેવામાં આવ્યા હતા. આ મારામારીની ઘટનામાં જશુભાઈ (jashu Patel) ને શરીરે ઈજાઓ પહોંચી છે. ડેરીના ઈતિહાસમાં ડિરેક્ટરો વચ્ચે આ પ્રકારે 'લાતોવાળી' થવાની ઘટનાએ સમગ્ર સહકારી આલમમાં ચકચાર મચાવી દીધી છે.
પોલીસ ફરિયાદની તજવીજ
આ ઘટના બાદ ભોગ બનનાર ડિરેક્ટર જશુ પટેલે (jashu Patel) કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે. તેઓ દ્વારા હુમલો કરનાર ડિરેક્ટરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સાબર ડેરીમાં છેલ્લા કેટલાક સમયથી દૂધના કૌભાંડના આક્ષેપોને લઈને સત્તાધારી પક્ષો અને ડિરેક્ટરો વચ્ચે આંતરિક જૂથવાદ ચરમસીમાએ હતો, જે આજે હિંસક સ્વરૂપે બહાર આવ્યો છે.
વહીવટમાં ગરબડ હોવાના ઉઠ્યા સવાલો
આ મારામારીની ઘટનાએ અનેક ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. શું સાબર ડેરીના વહીવટમાં ખરેખર મોટા પાયે ગેરરીતિઓ ચાલી રહી છે? શું કૌભાંડો બહાર આવવાના ડરે જ સાથી ડિરેક્ટર પર હુમલો કરવામાં આવ્યો? સામાન્ય દૂધ ઉત્પાદકોના પરસેવાની કમાણી પર વહીવટદારો વચ્ચેનો આ જંગ કઈ દિશામાં જશે? હાલમાં ડેરીમાં ભારે તણાવપૂર્ણ માહોલ છે અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તપાસની માંગ પ્રબળ બની છે.


