Himmatnagar News: પાલિકામાં ટિકિટ ફાળવણીના વિવાદે જોર પકડ્યું, સીનિયર કોર્પોરેટરે કેન્દ્રિય ગૃહમંત્રીને લખ્યો પત્ર
Himmatnagar News: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ બાદ હવે હિંમતનગર નગરપાલિકામાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. હિંમતનગર નગરપાલિકાના સીનિયર કોર્પોરેટર ગોવિંદસિંહ રાઠોડે સામાન્ય સભામાં થયેલા હોબાળા બાદ સીધો જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને પત્ર લખીને ગંભીર આક્ષેપો કર્યા છે. આ પત્ર વાયરલ થતા સ્થાનિક ભાજપ અને રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
ટિકિટ ફાળવણીમાં જૂથબંધીના આક્ષેપો
પત્રમાં સીનિયર આગેવાન ગોવિંદસિંહ રાઠોડે મુખ્યત્વે 14 જેટલા કોર્પોરેટરોને મળેલી ટિકિટોની ફાળવણી સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ટિકિટોની ફાળવણી કોઈ પારદર્શક પ્રક્રિયાને બદલે સંગઠનના અમુક પદાધિકારીઓ સાથેની સાંઠગાંઠ દ્વારા જૂથબંધી કરીને કરવામાં આવી છે.
પાલિકામાં ખુલ્લો વિરોધ
ગોવિંદસિંહ રાઠોડે માત્ર પત્ર જ નહીં, પરંતુ નગરપાલિકાની સામાન્ય સભામાં પણ આ મુદ્દે ખુલ્લો વિરોધ દર્શાવ્યો હતો. તેમણે પાલિકાની વિવિધ સમિતિઓની રચના અને ફાળવણીમાં સીનિયર સભ્યોને અન્યાય કરીને નવા આવેલા સભ્યોને મહત્વ આપ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આ સમગ્ર ઘટનાક્રમથી હિંમતનગર પાલિકાના વહીવટી તંત્રમાં અને સંગઠનમાં એક પ્રકારની અસંતોષની જ્વાળા ભભૂકી ઉઠી છે.
આ પણ વાંચોઃ Sabarkantha News: પશુપાલકો માટે ખુશખબર, સાબર ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં કર્યો વધારો


