રૂવાડા ઉભા કરી દે તેવા દ્રશ્યો! ગુજરાતના રોડ પર દોડી 'મોતની ક્રુઝર'! જુઓ Viral Video
Sarsa Vasad Road: ગુજરાતના રસ્તાઓ પર અવારનવાર ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડતા દ્રશ્યો સામે આવતા હોય છે, પરંતુ હાલમાં સારસા-વાસદ રોડ (Sarsa-Vasad Road) પરથી એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઈને કોઈપણ વ્યક્તિ સ્તબ્ધ થઈ જાય. અહીં એક ક્રુઝર ગાડી (Cruiser Vehicle) પર ક્ષમતા કરતા વધુ મુસાફરો તો બેસાડવામાં આવ્યા જ હતા, પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે ગાડીની પાછળ મોટરસાયકલ લટકાવીને મુસાફરી કરવામાં આવી રહી હતી. રસ્તા પર દોડતી આ મોતની સવારીનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.
નાના બાળકોના જીવ પણ જોખમમાં
સ્થાનિક રાહદારી દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવેલા દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ક્રુઝર વાહનની અંદર અને ઉપર લોકો ખીચોખીચ ભરેલા છે. આ જોખમી સવારીમાં નાના માસૂમ બાળકો પણ સામેલ છે. વાહનની પાછળના ભાગે એક બાઇકને દોરડા વડે અત્યંત જોખમી રીતે બાંધવામાં આવ્યું છે અને તેની બાજુમાં જ કેટલાક મુસાફરો લટકી રહ્યા છે. જો સહેજ પણ સંતુલન બગડે અથવા પાછળથી આવતું કોઈ અન્ય વાહન અથડાય, તો મોટી જાનહાનિ થઈ શકે તેમ છે. આ દ્રશ્યો અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે.
પોલીસ અને RTO ની કામગીરી સામે સવાલો
આ વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક પોલીસ (Police) અને પ્રાદેશિક પરિવહન કચેરી એટલે કે આર.ટી.ઓ. (RTO) ની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. રસ્તા પર ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરીને બેફામ દોડતા આવા વાહનો સરકારી બાબુઓની નજરે કેમ નથી ચડતા? ટ્રાફિક નિયમોના આ રીતે ઉડતા ધજાગરા વચ્ચે તંત્ર કેમ આંખ આડા કાન કરીને બેઠું છે તે એક મોટો પ્રશ્ન છે.
સામાન્ય જનતામાં ભારે રોષ
આ ઘટનાને પગલે સામાન્ય નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે હેલ્મેટ ન પહેરવા બદલ કે સીટ બેલ્ટ ન બાંધવા બદલ પોલીસ સામાન્ય લોકોને તુરંત દંડ ફટકારે છે, પરંતુ આવા ગંભીર ગુના આચરતા અને લોકોના જીવ જોખમમાં મૂકતા કમર્શિયલ વાહનો સામે કોઈ કડક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? સ્થાનિક લોકો હવે માગ કરી રહ્યા છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોયા વિના, આ વાયરલ વીડિયોના આધારે ક્રુઝર ચાલક સામે તાત્કાલિક અને કડક કાયદાકીય પગલાં ભરે.
આ પણ વાંચો: Rajkot Girl Viral Video: પીએમ મોદીને આપી દીધી આવી સલાહ! જુઓ રાજકોટની હનવિકાનો સૌથી ક્યૂટ વીડિયો


