Surendranagar: સાયલામાં ભૂમાફિયાઓના નેટવર્કનો પર્દાફાશ, DIG ની ટીમના દરોડાથી ખળભળાટ
- Surendranagar ના સાયલામાં ગેરકાયદે ખનન કરતા ભૂમાફિયાઓ પર દરોડા
- રાજકોટ DIGની ટીમના ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સામે કાર્યવાહી
- થોરીયાળી અને સુદામડા વિસ્તારમાં રાજકોટ DIGની ટીમે પાડી રેડ
Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા (Sayla) પંથકમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર ખનન (Illegal Mining) પર આખરે રાજકોટ રેન્જ DIG ની ટીમે લાલ આંખ કરી છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને કરવામાં આવેલા આ દરોડામાં ભૂમાફિયાઓના મસમોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. સાયલાના થોરીયાળી અને સુદામડા વિસ્તારમાં વહેલી સવારથી જ પોલીસ કાફલો ત્રાટકતા ખનીજ ચોરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
હિટાચી અને ડમ્પરો જપ્ત
બિનઅધિકૃત રીતે ચાલતા ખનન સ્થળો પર તપાસ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે. ખનીજ ચોરીના સ્થળેથી ગેરકાયદે ખનન માટે વપરાતા અત્યાધુનિક હિટાચી મશીનો (Hitachi Machines) અને ખનીજની હેરાફેરી (Mineral Transportation) માટે વપરાતા અનેક ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ, આ સાધનો દ્વારા દરરોજ લાખો રૂપિયાની ખનીજ ચોરી કરવામાં આવતી હતી. જપ્ત કરાયેલા વાહનોની કિંમત કરોડોમાં અંકાય રહી છે, જેના કારણે ભૂમાફિયાઓના આર્થિક સામ્રાજ્ય પર મોટો ફટકો પડ્યો છે.
ખનીજ ચોરોમાં ફફડાટ
DIGની આ સીધી રેડના પગલે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના ખનીજ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સામાન્ય રીતે સ્થાનિક તંત્રની રહેમનજર હેઠળ ચાલતા આ કાળા કારોબાર પર રાજ્ય સ્તરની ટીમે દરોડા પાડતા અનેક રહસ્યો બહાર આવવાની શક્યતા છે. પોલીસ દ્વારા હાલમાં પકડાયેલા વાહનોના માલિકો અને ખનન પ્રવૃત્તિના મુખ્ય સૂત્રધારો (Key Masterminds)ની શોધખોળ તેજ કરવામાં આવી છે.
ફરાર શખ્સો પકડવા કાર્યવાહી તેજ
આ દરોડમાં હજુ પણ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા આસપાસના અન્ય વિસ્તારોમાં પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પ્રાથમિક અહેવાલો મુજબ, આ રેડ દરમિયાન કેટલાક શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા છે, જેમને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે.
આ પણ વાંચોઃ Ahmedabad: ખોખરા પોલીસનો સપાટો, બે ઘરફોડ ચોરીના ગુના ઉકેલી આરોપીને દબોચ્યો


