Kheda : નરાધમ શિક્ષકની હેવાનીયત, શાળા બદલી છતાં પીછો ન છોડ્યો, ધોરણ 9 ની વિદ્યાર્થિની પર ગુજાર્યું દુષ્કર્મ
- ખેડા (Kheda) માં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના સામે આવી
- ધોરણ 9માં અભ્યાસ કરતી દીકરી ઉપર શિક્ષકે આચર્યું દુષ્કર્મ
- ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ચીતલાવ ગામની ઘટના
- શૈલેષ રાઠવા નામનો શિક્ષક આઠમા ધોરણમાંથી જ કરતો હેરાન
- આઠમા ધોરણ બાદ નવમા ધોરણમાં ભણવા દીકરી સાવલી ગઈ
- સાવલી ગયા બાદ પણ પીછો ના છોડ્યો હેવાન શિક્ષકે
- ડાકોર પોલીસે શિક્ષક શૈલેષ રાઠવા વિરુધ્ધ ફરિયાદ નોંધી
Kheda : ગુજરાતમાં જ્યાં શિક્ષકને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે, ત્યાં ખેડા (Kheda) જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે જેણે સમગ્ર શિક્ષણ જગતને સ્તબ્ધ કરી દીધું છે. ઠાસરા તાલુકાના ચિતલાવ ગામમાં એક નરાધમ શિક્ષકે પોતાની જ વિદ્યાર્થિનીની આબરૂ લૂંટી પવિત્ર વ્યવસાયને કલંકિત કર્યો છે.
ખેડા (Kheda) માં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના સામે આવી
મળતી વિગતો અનુસાર, ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ચિતલાવ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતો શૈલેષ રાઠવા નામનો શિક્ષક છેલ્લા ઘણા સમયથી એક વિદ્યાર્થિની પર ખરાબ નજર રાખતો હતો. પીડિતા જ્યારે ધોરણ 8માં આ જ શાળામાં અભ્યાસ કરતી હતી, ત્યારથી જ આ હેવાન શિક્ષક તેને અવારનવાર હેરાન પરેશાન કરતો હતો.
શાળા બદલી છતાં પીછો ન છોડ્યો
વિદ્યાર્થિની ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરી વધુ અભ્યાસ માટે સાવલી ખાતે રહેવા ગઈ હતી. પરિવારને આશા હતી કે દીકરી ત્યાં સુરક્ષિત રીતે ભણશે, પરંતુ હેવાન શિક્ષક શૈલેષ રાઠવાનો બદ ઈરાદો અહીં પણ અટક્યો નહોતો. તેણે સાવલી સુધી પીડિતાનો પીછો કર્યો હતો. અડપલાંથી શરૂ થયેલી આ હેરાનગતિ અંતે દુષ્કર્મમાં પરિણમી હતી.
પરિવારે હિંમત દાખવી પોલીસના દ્વાર ખખડાવ્યા
શિક્ષકની આ કરતૂત અંગે જ્યારે દીકરીના પરિવારને જાણ થઈ, ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારે જરા પણ મચક આપ્યા વગર આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાનું નક્કી કર્યું. પરિવારે તાત્કાલિક ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ કાર્યવાહી
ડાકોર પોલીસે આ મામલે ગંભીરતા દાખવી ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. આરોપી શિક્ષક શૈલેષ રાઠવા વિરુદ્ધપોક્સો (POCSO) સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિકોમાં નરાધમ શિક્ષક વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: "આ રિવોલ્વર કોઈની સગી નહીં થાય!" કહી ધમકી આપનાર ચિરાગ ગોટી અને તેના ભાઈની પોલીસે શાન ઠેકાણે લાવી


