Umreth By-election Result: "આ જીત મારા પિતાને શ્રદ્ધાંજલિ છે" વિજય બાદ હર્ષદ પરમારનું નિવેદન
Umreth By-election Result: આજે ગુજરાતની પ્રતિષ્ઠાભરી આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી (By-election) માટે વલ્લભ વિદ્યાનગરની બીજેવીએમ કોલેજ (BJVM College) ખાતે સવારે 8:00 કલાકે મતગણતરી શરૂ થઈ છે. શરૂઆતના વલણોથી જ ભારતીય જનતા પાર્ટીએ (BJP) લીડ જાળવી રાખી છે.મતગણતરીના 10 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે મોટી સરસાઈ મેળવી છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી, જેના કારણે ભાજપે તેમના પુત્ર હર્ષદ પરમારને મેદાને ઉતાર્યા છે. સામે પક્ષે કોંગ્રેસે અનુભવી નેતા ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાને ઉતારીને ભાજપને ટક્કર આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શરૂઆતી વલણોમાં ભાજપનો કેસરીયો લહેરાતો જોવા મળી રહ્યો છે.
ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે હર્ષદ પરમારની ખાસ વાતચીત
May 4, 2026 2:06 pm
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ભવ્ય વિજય મેળવ્યો છે. પોતાની જીત બાદ 'ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ' સાથેની ખાસ વાતચીતમાં તેમણે આ જીતને તેમના પિતાને સાચી શ્રદ્ધાંજલિ અને ઉમરેઠના મતદારોનો વિજય ગણાવ્યો હતો. વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પોતાની હાર છુપાવવા માટે હંમેશા EVM પર દોષારોપણ કરે છે, પરંતુ જો બેલેટ પેપરથી પણ મતદાન થાય તો વિજય ભાજપનો જ નિશ્ચિત છે. વધુમાં, તેમણે મતદારોને ખાતરી આપી હતી કે વિસ્તારના જે પણ વિકાસકામો બાકી હશે તેને તેઓ નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરવા માટે કટિબદ્ધ રહેશે.
કોંગ્રેસ ઉમેદવાર હાર ટોપલો EVN મશીન પર ઠાલવ્યો
May 4, 2026 2:06 pm
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજ સિંહ ચૌહાણે પોતાની હાર માટે ઈવીએમ (EVM) મશીન સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, જનતાએ મને પૂરતા મતો આપ્યા હોવા છતાં EVMમાં થયેલી ગેરરીતિને કારણે મારી હાર થઈ છે. વધુમાં તેમણે મશીનની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવતા પ્રશ્ન કર્યો હતો કે, મતદાન પ્રક્રિયામાં આખો દિવસ ઉપયોગ થયો હોવા છતાં EVMની બેટરી 99 ટકા કઈ રીતે હોઈ શકે? આ બાબતે ભૃગુરાજ સિંહે સ્પષ્ટ કર્યું છે કે તેઓ EVMમાં થયેલી આ શંકાસ્પદ બાબતો અંગે પક્ષ હાઈકમાન્ડને વિગતવાર ફરિયાદ કરશે.
ભાજપ ઉમેદવાર હર્ષદ પરમારનો 30,500 મત વિજય
May 4, 2026 12:31 pm
આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે 30,500 મતોની જંગી સરસાઈ સાથે શાનદાર જીત નોંધાવી છે, જ્યારે તેમની સામે મેદાનમાં ઉતરેલા કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણની કારમી હાર થઈ છે. મતગણતરીના તમામ રાઉન્ડના અંતે ભાજપે આ બેઠક પર મજબૂત પકડ જાળવી રાખી વિજયનો કેસરીયો લહેરાવ્યો છે, જેના પગલે કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.
17 રાઉન્ડના અંતે ભાજપ 23,825ની લીડથી આગળ
May 4, 2026 12:09 pm
આણંદની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની મતગણતરી હવે અંતિમ તબક્કામાં છે, જેમાં ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત જણાઈ રહી છે. 17 રાઉન્ડની મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર 23,825 મતોની જંગી લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. અત્યાર સુધીમાં હર્ષદ પરમારને 65,363 મતો મળ્યા છે, જ્યારે તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણને 41,538 મતો પ્રાપ્ત થયા છે. હવે માત્ર 5 રાઉન્ડની જ ગણતરી બાકી હોવાથી ઉમરેઠમાં કેસરિયો લહેરાય તે લગભગ નક્કી છે.
16 રાઉન્ડના અંતે ભાજપ 21,937ની લીડથી આગળ
May 4, 2026 11:50 am
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં હવે ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત જણાઈ રહ્યો છે. મતગણતરીના 16 રાઉન્ડ પૂર્ણ થતા ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે 21,937 મતોની મજબૂત લીડ મેળવીને કોંગ્રેસને સ્પષ્ટ રીતે પછાત છોડી દીધી છે. અત્યાર સુધીની ગણતરી મુજબ ભાજપના હર્ષદ પરમારને કુલ 61,417 મતો પ્રાપ્ત થયા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણને 39,480 મતો મળ્યા છે. હવે માત્ર 6 રાઉન્ડની મતગણતરી બાકી છે ત્યારે આ જંગી સરસાઈને જોતા ભાજપના ગઢમાં ફરી એકવાર કેસરીયો લહેરાશે તે નક્કી છે.
ભાજપે 15 રાઉન્ડને અંતે 20363 મતની લીડ મેળવી
May 4, 2026 11:37 am
ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી હવે નિર્ણાયક તબક્કે પહોંચી છે, જેમાં 15 રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદ પરમાર જંગી લીડ સાથે જીત તરફ આગળ વધી રહ્યા છે. અત્યાર સુધીની ગણતરી મુજબ ભાજપના હર્ષદ પરમારને કુલ 57,774 મતો પ્રાપ્ત થયા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણને 37,411 મતો મળ્યા છે. આમ, 15મા રાઉન્ડના અંતે ભાજપે 20,363 મતોની મજબૂત સરસાઈ મેળવીને કોંગ્રેસને સ્પષ્ટ રીતે પાછળ છોડી દીધી છે.
11 રાઉન્ડની ગણતરી બાદ ભાજપની જંગી લીડ
May 4, 2026 11:05 am
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની મતગણતરી હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે, જેમાં 11 રાઉન્ડની ગણતરી પૂર્ણ થતા ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત જણાઈ રહી છે. 11 માં રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે કુલ43,485 મતો મેળવીને કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ સામે 14,960 મતોની મજબૂત સરસાઈ મેળવી લીધી છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને અત્યાર સુધીમાં28,525 મતો પ્રાપ્ત થયા છે. ભાજપની આ વધતી જતી લીડને પગલે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ઉમરેઠ પેટાચૂંટણી પરિણામ: 10 રાઉન્ડ બાદની સ્થિતિ
May 4, 2026 10:58 am
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે. મતગણતરીના 10 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે મોટી સરસાઈ મેળવી છે.


