Valsad ATS ની મોટી રેડ: ભંગારના ગોડાઉનમાંથી મળ્યું લાખોનું ડ્રગ્સ! બેની ધરપકડ
Gujarat ATS Operation: ગુજરાતમાં નશાના કારોબાર સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત વલસાડ (Valsad) જિલ્લામાં એક મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસ (Gujarat ATS) અને વલસાડ એસઓજી (Valsad SOG) ની ટીમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડ્રગ્સના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે સરી ગામ (Sari Village) ખાતે મોટા પાયે ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે એક્શનમાં આવેલી ટીમે તાત્કાલિક પ્લાન બનાવીને દરોડા પાડ્યા હતા.
કુંતા ગામના ભંગારના ગોડાઉનમાં રેડ
તપાસ દરમિયાન સુરક્ષા એજન્સીઓને જાણવા મળ્યું કે આ કાળા કારોબારનું મુખ્ય કેન્દ્ર કુંતા ગામ (Kunta Village) માં આવેલું એક ભંગારનું ગોડાઉન હતું. એટીએસ અને સ્થાનિક પોલીસની ટીમે સંયુક્ત રીતે આ ગોડાઉન પર ત્રાટકીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ગોડાઉનની ઓફિસની તલાશી લેતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ ઓફિસની અંદરથી 2કિલો કરતા વધુ પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત, ત્યાંથી આશરે 600 ગ્રામ જેટલો અન્ય શંકાસ્પદ માદક પદાર્થ પણ જપ્ત કરવામાં આવ્યો છે, જે ડ્રગ્સ હોવાની પૂરેપૂરી આશંકા છે.
2 આરોપીઓની ધરપકડ અને ₹71 લાખનો મુદ્દામાલ
પોલીસના જણાવ્યા અનુસાર, જપ્ત કરવામાં આવેલા આ આંતરરાષ્ટ્રીય સ્તરના ડ્રગ્સની અંદાજિત બજાર કિંમત ₹71 લાખથી પણ વધુ હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા 2 મુખ્ય આરોપીઓની સ્થળ પરથી જ ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ આ વિસ્તારમાં કોને ડ્રગ્સ સપ્લાય કરવાના હતા અને આ નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે, તે દિશામાં પોલીસ દ્વારા કડક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
FSL ની મદદથી સઘન તપાસ શરૂ
પકડાયેલો જથ્થો કયા પ્રકારનો કેમિકલ ડ્રગ્સ છે અને તેની શુદ્ધતા કેટલી છે, તે સચોટ રીતે જાણવા માટે પોલીસે એફએસએલની ટીમની મદદ લીધી છે. એફએસએલ દ્વારા નમૂનાઓનું પરીક્ષણ કર્યા બાદ કોર્ટ સમક્ષ પાકકો રિપોર્ટ રજૂ કરવામાં આવશે. વલસાડમાં ભંગારના ગોડાઉનની આડમાં ચાલતા આ રેકેટના પર્દાફાશ બાદ સ્થાનિક સ્તરે અનેક મોટા ખુલાસા થવાની સંભાવના સેવાઈ રહી છે.
આ પણ વાંંચો: Kutch માં 380 કરોડના ડ્રગ્સ કેસમાં મોટો ચુકાદો, 6 પાકિસ્તાનીઓને 20 વર્ષની કેદ, જાણો સમગ્ર મામલો


