"વિશાલ કાગડાને ટિકિટ નહીં તો વોટ નહીં!" Veraval માં ટિકિટ ફાળવણી પહેલા જ બળવો!
- વેરાવળ નગરપાલિકા (Veraval Municipality) ના વોર્ડ-8માં ભારે રોષ
- મફતિયાપરા (Mafatiyapara)વિસ્તારમાં રાત્રે યોજાઈ બેઠક
- વિશાલ કાગડા (Vishal Kagada) ને જ ટિકિટ આપવાની લોક માંગ
- અન્ય ઉમેદવારને ટિકિટ અપાશે તો વિરોધ કરાશે
- સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી
Veraval Nagarpalika Election: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ પૂર્વે ગીરસોમનાથ (Gir Somnath) જિલ્લાના મુખ્ય મથક એવા વેરાવળમાં રાજકીય માહોલ ગરમાયો છે. વેરાવળ નગરપાલિકા (Veraval Municipality) ના વોર્ડ નંબર 8 માં સ્થાનિક રહીશો દ્વારા વર્તમાન નગરસેવકો સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. મફતિયાપરા (Mafatiyapara) વિસ્તારમાં મોડી રાત્રે યોજાયેલી એક બેઠકમાં લોકોએ ભાજપના શાસકો સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.
વેરાવળ નગરપાલિકા (Veraval Municipality) ના 4 નગરસેવકો સામે જનતાનો પ્રચંડ રોષ
સ્થાનિક રહીશોનો મુખ્ય આક્ષેપ છે કે છેલ્લા 5 વર્ષ દરમિયાન વોર્ડના ચૂંટાયેલા ચારેય નગરસેવકો ક્યારેય જનતાની વચ્ચે આવ્યા નથી કે વિસ્તારના પ્રશ્નો સાંભળ્યા નથી. લોકોમાં ખાસ કરીને નીચેના ચાર પ્રતિનિધિઓ સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.
1. પ્રહલાદભાઈ શામળા
2. બાદલભાઇ હુંબલ
3. પિયુષભાઈ ફોફંડી
4. રેખાબેન જેઠવા
લોકોનું કહેવું છે કે આ નગરસેવકો જીત્યા બાદ વિસ્તારમાં ક્યારેય 'ડોકાયા' પણ નથી, જેના કારણે પાયાની સુવિધાઓ અને સ્થાનિક કામોમાં ભારે હાલાકી ભોગવવી પડી છે.
"કામ કરનારને જ ટિકિટ આપો": વિશાલ કાગડા (Vishal Kagada) ના સમર્થનમાં સુર
વોર્ડ નંબર 8 ના રહીશોએ એકસૂરે માંગ કરી છે કે આગામી ચૂંટણીમાં લોકપ્રિય યુવા કાર્યકર વિશાલ કાગડા (Vishal Kagada) ને જ ટિકિટ આપવામાં આવે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, જ્યારે પણ કોઈ મુશ્કેલી કે સરકારી કામ હોય, ત્યારે વિશાલ કાગડા જ તેમની વહારે આવે છે. "જે વ્યક્તિ રાત-દિવસ જોયા વગર અમારા કામ કરે છે, તેને જ પક્ષે પ્રતિનિધિત્વ આપવું જોઈએ" તેવી મક્કમ જીદ રહીશોએ પકડી છે.
ચૂંટણી બહિષ્કાર અને પ્રવેશબંધીની ચેતવણી
આ બેઠકમાં સ્થાનિકોએ પક્ષને આડકતરી રીતે ચીમકી આપતા જણાવ્યું છે કે, જો વિશાલ કાગડા સિવાય અન્ય કોઈ ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે, તો સમગ્ર વિસ્તારના લોકો મતદાનનો બહિષ્કાર (Election Boycott) કરશે.ચૂંટણી પ્રચાર માટે આવનારા અન્ય કોઈ પણ ઉમેદવારને મફતિયાપરા વિસ્તારમાં પ્રવેશબંધી (No Entry) કરવામાં આવશે. સ્થાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે 'ચહેરા' જોઈને નહીં પરંતુ 'કામ' જોઈને જ વોટ આપશે.
ભાજપ માટે પેચીદો પ્રશ્ન
ચૂંટણી પહેલા જ ગઢ ગણાતા વિસ્તારોમાં આ પ્રકારનો જનઆક્રોશ ભાજપ (BJP) માટે ચિંતાનો વિષય બની શકે છે. એકતરફ પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે બીજી તરફ જનતાએ પોતાના મનગમતા ઉમેદવારનું નામ જાહેર કરીને સંગઠન સામે પડકાર ફેંક્યો છે. હવે જોવાનું એ રહેશે કે પક્ષ જનતાની લાગણીને માન આપે છે કે પછી જૂના જોગીઓ પર જ પસંદગીનો કળશ ઢોળે છે.
આ પણ વાંચો: Ahmedabad: ભાજપે ચૂંટણી જીતવા કમસ કસી, તમામ વોર્ડમાં એકસાથે કાર્યાલયો શરૂ


