ChhotaUdepur જિલ્લામાં પાણી માટે સંઘર્ષ, નાલેજ ડેમ છલોછલ છતાં કેનાલો સૂકી કેમ?
- ChhotaUdepur માં સિંચાઈ પાણી નહીં મળતા ખેડૂતોને મુશ્કેલી
- અંતરિયાળ ગામોમાં પાણીના વલખાં
- ઉનાળાની ઋતુમાં પાણીનો પ્રશ્ન ગંભીર
- સ્થાનિકોની તાત્કાલિક પાણી છોડવાની માગ
ChhotaUdepur Water Problem: છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં પાણીની વિકટ સમસ્યા સામે આવી રહી છે. એક તરફ વિસ્તારનો નાલેજ ડેમ છલોછલ ભરાયેલો છે, છતાં કેનાલોમાં પાણી નહીં છોડાતા ખેડૂતો અને ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયા છે. સિંચાઈ અને પીવાના પાણી માટે હવે લોકો જૂના કૂવા ઊંડા કરવાની કામગીરી હાથ ધરી રહ્યા છે. ઓલિયા આંબા ગામે આદિવાસી ખેડૂતો પોતાના ખર્ચે કૂવા ઊંડા કરી પાણી મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. ઉનાળામાં જળસ્તર ઘટતા સમગ્ર વિસ્તારમાં પાણી માટે સંકટ જેવી સ્થિતિ સર્જાઈ છે.
ChhotaUdepur: પાણી વિના પશુધનનું શું થશે?
છોટાઉદેપુર જિલ્લાના ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં પીવાના અને સિંચાઈના પાણી માટે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વિસ્તારનો નાલેજ ડેમ હાલમાં પાણીથી ભરપૂર હોવા છતાં ખેડૂતો સુધી કેનાલ મારફતે પાણી પહોંચતું નથી. જેના કારણે ખેતરો સૂકાઈ રહ્યા છે અને ખેડૂતોમાં ચિંતા વધી રહી છે. સાથો સાથ આ વિસ્તાર માં જળ સ્તર નીચે જતા ના પાણીનું પણ સંકટ ઊભું થતા તેમના પશુધનનું શું? એ સવાલ સતાવી રહ્યું છે
સિંચાઈના પાણી માટે સમસ્યા
છોટાઉદેપુર જિલ્લા માં 11 જેટલા સિંચાઈના તળાવ આવેલા છે . સિંચાઈ તળાવ થકી ખેડૂતો ખેતી કરતા હોય છે. આવુજ તળાવ નાલેજ ગામ નજીક સિંચાઈ તળાવ આવેલ છે . તળાવનું પાણી ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે તે માટે કેનાલો પણ બનાવવામાં આવી છે પણ વર્ષો જૂની કેનાલો જર્જરીત બની જતા હવે ખેતરો સુધી પાણી ના પહોચતાં ખેડૂતો માટે સિંચાઈના પાણી માટે સમસ્યા ઉભી થઈ છે . નવાઈ ની વાત એ છે કે એક તરફ કેનાલો જર્જરીત બની છે અને બીજી બાજુ તળાવના રિનોવેશન પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે.
ઓલિયા આંબા ગામ સહિત અનેક ગામોમાં ખેડૂતો હવે જૂના કૂવાઓને વધુ ઊંડા કરવાની કામગીરીમાં લાગી ગયા છે. પાણીનો સ્તર નીચે જતાં લોકો પોતાના ખર્ચે કૂવા ખોદી પાણી મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. હાલ જે કુવા છે તેને ઊંડા કરવા માટે જીવ નું પણ જોખમ ખેડી રહ્યા છે.
રિપેરિંગના કામમાં અટવાયેલું પાણી!
ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર સિંચાઈનું પાણી નહીં મળે તો આવનારી ખેતી પર ગંભીર અસર પડશે. એક તરફ સરકાર સિંચાઈની સુવિધાના દાવા કરે છે, જ્યારે બીજી તરફ અંતરિયાળ ગામોના લોકો આજે પણ પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ બાબતે જયારે સિંચાઈ વિભાગના અધિકારીને પૂછતાં તેમણે જણાવ્યું કે નાલેજ તળાવ દ્વારા 553 હેક્ટર જમીન ને સિંચાઈનું પાણી આપવાની વ્યવસ્થા છે. તળાવ ના રેસ્ટોરેશનનું કામ પૂર્ણ કરવા માં કરવા માં આવ્યું છે . જોકે અધિકારીનું એ પણ કહેવું છે કે જર્જરીત કેનાલો ને લઈ રિપેરિંગ માટે ની મંજૂરી માંગી છે. મંજૂરી મળતા કામ શરૂ કરવા માં આવશે. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક કેનાલોમાં પાણી છોડવાની અને પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવાની માંગ ઉઠી રહી છે.
અહેવાલ: સલમાન મેમણ, છોટાઉદેપુર
આ પણ વાંચોઃ Kheda: કેનાલના કામમાં ભ્રષ્ટાચાર, વાંઠવાળીમાં કરોડોના ખર્ચે બનેલી કેનાલ તોડી પડાઈ


