Chandipura Virus: પંચમહાલ (Panchmahal) જિલ્લાના ગોધરા (Godhra) તાલુકામાં ચોમાસાની સીઝન (Monsoon Season) શરૂ થતાં જ અત્યંત ઘાતક ગણાતા ચાંદીપુરા વાયરસ (Chandipura Virus) નો કહેર જોવા મળ્યો છે. આ જીવલેણ વાયરસના કારણે ગોધરા તાલુકાના બે અલગ-અલગ ગામના બાળકોના મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બાળકોના મોતના સમાચાર મળતાની સાથે જ સ્થાનિક આરોગ્ય વિભાગ (Health Department) તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે.
વીંઝોલ અને જીતપુરા ગામના બાળકોના વડોદરા ખાતે સારવાર દરમિયાન મોત
મળતી માહિતી મુજબ, ગોધરા તાલુકાના વીંઝોલ (Vinzol) અને જીતપુરા (Jitpura) ગામના બે બાળકોને અચાનક તીવ્ર તાવ આવ્યા બાદ ખેંચ (Seizures) આવી હતી. બંને બાળકોને પ્રાથમિક સારવાર માટે તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ (Godhra Civil Hospital) ખાતે લાવવામાં આવ્યા હતા. જોકે, તેમની સ્થિતિ વધુ નાજુક બનતા તેમને વધુ સઘન સારવાર માટે વડોદરા (Vadodara) ની એસ.એસ.જી. હોસ્પિટલ (SSG Hospital) ખાતે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન બંને માસૂમોએ દમ તોડી દીધો હતો.
આરોગ્ય વિભાગનું મેગા સર્વેલન્સ: 260 સેન્ડફ્લાય માખીઓ મળી આવી
આ ગંભીર ઘટનાને પગલે આરોગ્ય વિભાગની ટીમો વીંઝોલ અને જીતપુરા ગામમાં તૈનાત કરી દેવાઈ છે. તંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં સઘન સર્વેલન્સ (Surveillance), દવાઓનો છંટકાવ તેમજ કાચા મકાનોની દીવાલોમાં પડેલી તિરાડો પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન આરોગ્ય વિભાગને ગામમાંથી 260 જેટલી સેન્ડફ્લાય (Sandfly) માખીઓ મળી આવી છે, જે આ વાયરસ ફેલાવવા માટે મુખ્ય જવાબદાર માનવામાં આવે છે.
ICMR નું 2 વર્ષથી સંશોધન ચાલુ, પરંતુ નક્કર પરિણામ હજુ બાકી
ઉલ્લેખનીય છે કે, પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં (Rural Areas) દર વર્ષે ચોમાસા દરમિયાન આ સેન્ડફ્લાય માખી કરડવાના કારણે બાળકોના મોત થવાની ઘટનાઓ સામે આવે છે. આ ગંભીર બાબતને લઈને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા છેલ્લા 2 વર્ષથી આ વિસ્તારમાં વાયરસ પર સતત સંશોધન (Research) કરવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ કે કાયમી ઉકેલ મળી શક્યો નથી.