Patan Rain News: રાધનપુરમાં કુદરતી આફતનો કહેર, વરસાદે બાદરપુરા ગામમાં તારાજી સર્જી!
Patan Rain News: પાટણ જિલ્લામાં ગત મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. એકાએક આવેલા પલટા બાદ રાધનપુર પંથકમાં ભારે વિનાશ વેર્યો છે. આ વરસાદ વિસ્તારના લોકો માટે આફતરૂપ સાબિત થયો છે. ભારે વરસાદની સાથે ફૂંકાયેલા તેજ પવનોએ પરિસ્થિતિ વણસાવી દીધી છે. ક્યાક થાંભલા તૂટી પડ્યા તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે.
બાદરપુરા ગામમાં વ્યાપક નુકસાની
વરસાદ અને ભારે પવનના કારણે બાદરપુરા ગામમાં મોટાપાયે નુકસાન થયું છે. ગામમાં અંદાજે 15 થી વધુ ઘરો પરથી પતરાં ઊડી ગયા છે, જેના કારણે લોકોની ઘરવખરી પલળી ગઈ છે અને માલ-મિલકતનું મોટું નુકસાન થયું છે.
વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી
તોફાની પવનના કારણે ગામના માર્ગો પર અનેક લીમડાના જૂના વૃક્ષો ધરાશાયી થયા છે, પરિણામે ગામનો સંપર્ક કપાઈ ગયો હતો અને મુખ્ય માર્ગો બંધ થઈ ગયા હતા. આ સાથે જ વીજળીના તાર તૂટી પડતા આખા ગામમાં અંધારપટ છવાઈ ગયો હતો. વીજ કંપનીની ટીમોને તાત્કાલિક સ્થિતિ પૂર્વવત કરવા સૂચના આપવામાં આવી છે.
સહાય માટે ગ્રામજનોની આજીજી
એકાએક પડેલા આ વરસાદથી ભારે નુકસાન વેઠ્યા બાદ ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. લોકોએ તંત્ર પાસે માગ કરી છે કે, વહેલી તકે નુકસાનીનો સર્વે કરવામાં આવે અને અસરગ્રસ્ત પરિવારોને યોગ્ય આર્થિક સહાય પૂરી પાડવામાં આવે. સ્થાનિક પ્રશાસને સ્થિતિ પર નજર રાખીને કામગીરી શરૂ કરી છે.
આ પણ વાંચોઃ Kheda Rain News: નડિયાદમાં વરસાદે ધબધબાટી બોલાવી, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા


