પાટણ ઝીલિયા કાંડ: સસ્પેન્શનનો દોર યથાવત, LCB ના વધુ 4 પોલીસકર્મી સસ્પેન્ડ!
ઝીલિયા કાંડ: પાટણ LCB સામે મોટી કાર્યવાહી
એલ.સી.બી.ના 4 પોલીસકર્મીઓ કરવામાં આવ્યા સસ્પેન્ડ
એલ.સી.બી.ના કર્મચારીઓએ 18 શખ્સો પર કર્યો હતો લાઠીચાર્જ
હાલ એલ.સી.બી.ના 4 પોલીસકર્મીઓને કરાયા છે સસ્પેન્ડ
LCB Suspended: ગુજરાતના પાટણ (Patan) જિલ્લાના સરસ્વતી તાલુકાના ઝીલિયા (Jhiliya) ગામે થયેલી બબાલમાં પોલીસ વિભાગ દ્વારા ફરી એકવાર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનામાં નિર્દોષ નાગરિકો પર લાઠીચાર્જ કરવાના મામલે શિસ્તભંગના પગલાં લેતા વધુ 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ (Suspended) કરવામાં આવ્યા છે. આ તમામ કર્મચારીઓ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (Local Crime Branch - LCB) ના હોવાનું સામે આવ્યું છે.
LCBના કર્મચારીઓ પર ગાજ પડી
મળતી માહિતી મુજબ, ઝીલિયા ગામે થયેલી હિંસક અથડામણ બાદ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા હતા. ખાસ કરીને LCBના કર્મચારીઓએ 18 જેટલા શખ્સો પર આડેધડ લાઠીચાર્જ (Lathi-charge) કર્યો હોવાના ગંભીર આક્ષેપો થયા હતા. પ્રાથમિક તપાસ બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા LCBના આ 4 કર્મચારીઓની ભૂમિકા શંકાસ્પદ જણાતા તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો: નંબર વગરની 'રામધણી' લખેલી મોંધી ગાડીઓ, GUJCTOC સહિત 14 ગુના, કોણ છે ભાવેશ રબારી? જાણો કાળો ઇતિહાસ!
અગાઉ પણ અનેક અધિકારીઓ પર લેવાયા છે પગલાં
ઝીલિયાના આ ચકચારી કેસમાં સસ્પેન્શનનો આંકડો સતત વધી રહ્યો છે. આ અગાઉ પણ પોલીસ તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી હતી, જેમાં ફરજમાં બેદરકારી દાખવવા બદલ ચાણસ્મા પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI) આર. એચ. સોલંકી (R. H. Solanki) અને 5 જી.આર.ડી. (GRD) જવાનો મળી કુલ 13 પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મંદિરના વિવાદમાં ઉશ્કેરાયેલા ટોળાએ ભાવેશ રબારી (Bhavesh Rabari) ના ઘર અને પોલીસની 112 વાન પર જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો હતો.
શું હતો સમગ્ર મામલો
ઝીલિયા ગામે રામાપીરના મંદિરના ફાળાની ઉઘરાણી અને વ્યવસ્થાપનને લઈને ભાવેશ રબારી અને મુખ્ય આરોપી જીતુભા (Jitubha) વચ્ચે લાંબા સમયથી મનદુઃખ ચાલી રહ્યું હતું. આ અદાવત રાખીને ગત મોડી રાત્રે જીતુભા અને તેના 15 થી 20 શખ્સોના ટોળાએ પૂર્વ આયોજિત કાવતરું રચી હિંસક હુમલો કર્યો હતો. હુમલાખોરો લાકડી, ધોકા અને અન્ય પ્રાણઘાતક હથિયારો સાથે ગાડીઓમાં સવાર થઈને આવ્યા હતા અને ગામમાં આતંક મચાવ્યો હતો.
હુમલાખોરોએ ભાવેશ રબારીના ઘરને નિશાન બનાવી પથ્થરમારો અને તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે બેફામ બનેલું ટોળું હિંસા પર ઉતરી આવ્યું હતું. ગ્રામજનોમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોએ જીવ બચાવવા દોડધામ કરવી પડી હતી.
આ પણ વાંચો: Zhiliya Kand: રામાધણી ફાર્મ હાઉસ પર બુલડોઝર ફર્યું! ભાવેશ રબારીનું સામ્રાજ્ય ધ્વસ્ત


