Patan News: પાલિકાની મોટી બેદરકારી, 20 લાખ ખર્ચીને ખાનગી જમીન પર બનાવી દીધો રોડ! માલિકે તાર ફેન્સિંગ કરીને રસ્તો કર્યો બંધ
Patan News: પાટણ નગરપાલિકાના બાંધકામ વિભાગની મોટી બેદરકારી સામે આવી છે, જ્યાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલો રોડ હવે વિવાદનું કેન્દ્ર બન્યો છે. પાલિકાએ કોઈપણ પ્રકારની જમીન તપાસણી કર્યા વગર ખાનગી માલિકીની જમીન પર 20 લાખથી વધુના ખર્ચે સીસી રોડ બનાવી દેતા હાલ સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.
Patan માં પાલિકાએ બનાવેલા રોડ પર લાગી તાર ફેન્સિંગ
પાટણના વોર્ડ નંબર 10 માં આવેલા લોલેશ્વર પાર્કની પાછળ અને ભીલમતિ મંદિરની આગળ વેચુંખાડ વિસ્તારમાં આ ઘટના બની છે. પાલિકા દ્વારા અંદાજે 12 થી 18 મહિના પહેલા લાખો રૂપિયાના ખર્ચે આ રસ્તો તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે, પાલિકાના ટાઉન પ્લાનિંગ અને બાંધકામ વિભાગે રોડ બનાવતા પહેલા જે જમીન પર રોડ બનાવવાનો હતો તેની માલિકીની તપાસ કરવાની તસ્દી સુદ્ધાં લીધી નહોતી.
ખાનગી જમીન માલિકે તાર ફેન્સિંગ કરી રસ્તો કર્યો બંધ
જ્યારે જમીનના સાચા માલિકને જાણ થઈ કે તેમની ખાનગી મિલકત પર પાલિકાએ ગેરકાયદે રોડ બનાવી દીધો છે, ત્યારે તેમણે રોડ પર તાર ફેન્સિંગ (કાંટાળી વાડ) કરી દીધી હતી. આ વાડને કારણે હાલ રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. રસ્તો બંધ થતા અહીંથી અવરજવર કરતા સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અનેક સવાલો ઉઠ્યા
પાલિકાના ટાઉન પ્લાનિંગ અને બાંધકામ વિભાગની આ નિષ્ફળતાએ અનેક સવાલો ઊભા કર્યા છે જેમ કે,
જમીન સંપાદન કર્યા વગર રોડ શા માટે બનાવવામાં આવ્યો?
જનતાના ટેક્સના પૈસાની આવી આંધળી હોળી કેમ રમાઈ રહી છે?
માલિકી હક તપાસ્યા વગર આટલું મોટું કામગીરી કેવી રીતે થઈ?
હવે લાખોના ખર્ચે બનેલો આ રોડ તોડવાનો ખર્ચ કોણ ભોગવશે?
રોડ પાછળ વેડફાયેલા નાણાંની વસૂલાત કસૂરવાર અધિકારીઓ પાસેથી કેમ નહીં?
તંત્રની આવી લાપરવાહીનો અંત ક્યારે આવશે?
પાલિકાની આ નિષ્ફળતાનું પાપ કોણ માથે લેશે અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ક્યારે લેવાશે?
પાલિકાનું લાખોનું આંધણ
સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકાએ યોગ્ય આયોજન વગર ખાનગી જગ્યા પર રોડ બનાવીને સરકારી તિજોરીના લાખો રૂપિયાનું નુકસાન કર્યું છે. આટલા સમય સુધી રોડ ચાલુ રહ્યા બાદ હવે જ્યારે તે બંધ થયો છે, ત્યારે પાલિકાની વહીવટી નિષ્ફળતા અને બુદ્ધિના પ્રદર્શનની ચર્ચાઓ પાટણના રાજકારણમાં જોરશોરથી ચાલી રહી છે. હવે જોવું રહ્યું કે તંત્ર આ મામલે શું ઉકેલ લાવે છે અને કસૂરવાર અધિકારીઓ સામે કોઈ પગલાં લેવાય છે કે નહીં.
આ પણ વાંચો: Rajkot News: ડેમ-તળાવોમાં સ્નાન કરવું અને સેલ્ફી લેવી પડશે ભારે, જાણી લો કલેક્ટરનું નવું જાહેરનામું


