Jasdan Tragic News: 4 માસૂમ બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા દોડી આવ્યા
- Jasdan શહેરના મલ સમાજના 4 બાળકો ડૂબ્યા
- દુર્ઘટનામાં 4 બાળકોના મોત નીપજ્યા
- 4 બાળકો તળાવમાં નાહવા માટે પડ્યા હતા
- આલણસાગર તળાવના ઓગણના ભાગે નાહવા ગયા હતા
- જસદણ પોલીસ અને 108ની ટીમ સ્થળ પર પહોંચી
Jasdan Tragic News: રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં આજે ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. જસદણમાં ઘરેથી રમવા નીકળેલા ચાર કિશોરો (ઉંમર 10 થી 15 વર્ષ) બાખલવડના આલણ સાગર તળાવમાં નાહવા જતા ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. તળાવના કાંઠેથી સાયકલ અને કપડાં મળ્યા બાદ શરૂ થયેલી તપાસમાં ચારેયના મૃતદેહ મળી આવતા આખા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ સ્થળ પર પહોંચી પરિવારને આર્થિક સહાય અને સાંત્વના આપી હતી.
Jasdan માં 4 માસૂમ બાળકોના ડૂબી જવાથી મોત
જસદણના સામાન્ય પરિવારના ચાર બાળકો ઘરેથી રમવા જવાનું કહીને નીકળ્યા હતા. જોકે, આ ચારેય મિત્રો બાખલવડના આલણ સાગર તળાવમાં નાહવા પડ્યા હતા. તળાવની પાળ પરથી માત્ર તેમની સાયકલ અને કપડાં મળી આવતા બાળકો ડૂબ્યા હોવાની આશંકા સેવાઈ હતી. સ્થાનિક તરવૈયાઓ અને ફાયર બ્રિગેડની ટીમે યુદ્ધના ધોરણે શોધખોળ આદરી હતી, પરંતુ કમનસીબે ચારેયના નિષ્પ્રાણ દેહ મળી આવ્યા હતા.
મૃતક બાળકોના નામ અને ઉંમર
રાજવીર સામતભાઈ રાઠોડ (15 વર્ષ)
કિશન મનસુખભાઈ રાઠોડ (15 વર્ષ)
રામુભાઈ ભાયાભાઈ રાઠોડ (14 વર્ષ)
કાળુભાઈ ભરતભાઈ રાઠોડ (10 વર્ષ)
મંત્રી કુંવરજી બાવળિયા પહોંચ્યા ઘટનાસ્થળે
ઘટનાની ગંભીરતાને જોતા રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા (Kunvarji Bavaliya) તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે મૃતક બાળકોના શોકાતુર પરિવારને સાંત્વના પાઠવી હતી અને આ ઘટનાને અત્યંત કરુણ ગણાવી હતી. મંત્રીએ માનવતાના ધોરણે ચારેય પરિવારોને અંતિમ વિધિ માટે તત્કાલ રુ. 25,000-25,000 ની આર્થિક સહાય જાહેર કરી હતી. સાથે જ તેમણે ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર તરફથી મળવાપાત્ર તમામ સરકારી સહાય ઝડપથી પૂરી પાડવા માટે સરકાર કટિબદ્ધ છે.
જીલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરનું નિવેદન
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જરે રૂબરૂ મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે, બાળકો ઘરેથી નીકળ્યા ત્યાંથી જે રસ્તે ચાલ્યા તે તમામ વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ જસદણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં આવી દુર્ઘટના રોકવા માટે ઇરીગેશન વિભાગ સાથે ચર્ચા કરી આ વિશાળ તળાવ પર સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Gujarat Heatwave News: ગરમીએ Ahmedabad માં 15 વર્ષનો રેકોર્ડ તોડ્યો, જાણો તમારા શહેરની સ્થિતિ


