Rajkot: SOG અને સમાજ સુરક્ષા વિભાગે પશ્વિમ બંગાળના 20 જેટલા બાળકોને કરાવ્યા મુક્ત
- બાળકોને ઇમિટેશનની કામગીરી માટે લાવ્યા હોવાની શક્યતા
- બેડી ચોકડી નજીક એક મકાનમાં બાળકોને ગોંધી રાખ્યા હતા
- તમામ બાળકોના મેડિકલ ચેકઅપ બાદ કાર્યવાહી હાથ ધરાશે
Rajkot : રાજકોટમાં SOG અને સમાજ સુરક્ષા વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં પશ્વિમ બંગાળના 20 જેટલા બાળકોને મુક્ત કરાવ્યા છે. બાળકોને ઇમિટેશનની કામગીરી માટે લાવ્યા હોવાની શક્યતા છે. બેડી ચોકડી નજીક એક મકાનમાં બાળકોને ગોંધી રાખ્યા હતા. તેમજ તમામ બાળકોના મેડિકલ ચેકઅપ બાદ કાર્યવાહી હાથ ધરાશે. બાળમજૂરી માટે લાવનાર ઠેકેદાર વિરુદ્ધ પણ કાર્યવાહી કરાશે.
બાળકોને ઠેકેદાર દ્વારા પશ્ચિમ બંગાળથી રાજકોટ ખાતે લાવવામાં આવ્યા
ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર બાદ રાજકોટ શહેર પોલીસ દ્વારા રાજકોટમાં ગેરકાયદેસર વસવાટ કરનારા વિદેશી નાગરિકો બાબતે ચેકીંગ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે શહેરના સોની બજારમાં પણ બાંગ્લાદેશી નાગરિકો બાબતે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે, રાજકોટમાં ઇમિટેશન બજારમાં પશ્ચિમ બંગાળના કેટલાક સગીર વયના બાળકો પણ કામકાજ કરે છે. જે બાળકોને ઠેકેદાર દ્વારા પશ્ચિમ બંગાળથી રાજકોટ ખાતે લાવવામાં આવ્યા છે. તેમજ ઠેકેદાર દ્વારા સોની બજારમાં તેમની પાસે દાગીના બનાવટની મજૂરી કામકાજ કરાવવામાં આવી રહ્યું છે.
બાળકોનું રેસ્ક્યુ કરીને તેમને મેડિકલ ચેકઅપ અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવાયા
બાતમીના આધારે રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ વિંગ, સમાજ સુરક્ષા વિભાગ તેમજ સ્થાનિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ગોપાલ નગર શેરી નંબર એકના ખૂણે આવેલા મકાનમાં 20 જેટલા પશ્ચિમ બંગાળના સગીર વયના બાળકો રહેતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં બે બાળકોની ઉંમર 14 વર્ષ કરતાં નાની તેમજ 18 બાળકોની ઉંમર 14 થી 18 વર્ષની વચ્ચેની હોવાનું સામે આવ્યું હતું. તમામ બાળકોનું રેસ્ક્યુ કરીને તેમને મેડિકલ ચેકઅપ અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ગંદા હૈ પર ધંધા હૈ: આંગડિયા પેઢીમાં પોલીસ તપાસ શરૂ, ગેરકાયદેસર કરોડો રુપિયાના હવાલા!