Rajkot: આંગણવાડીનો ખોરાક બારોબાર! રિક્ષામાંથી મળી 36 થેલીઓ, હેલ્પર કહે- 'કંઈ થયું નથી', શું છે સત્ય?
- રાજકોટમાં (Rajkot) આંગણવાડીનો બાળકોનો ખોરાક સગેવગે કરવાનું કૌભાંડ
- બાળશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાની 36 થેલીઓ કરાતી હતી સગેવગે
- શાળા નંબર 78માં આવેલી આંગણવાડીમાંથી જથ્થો થતો હતો સગેવગે
- CDPOએ ઓટોરિક્ષા ભરાઈને નીકળી ત્યાં ઘટનાસ્થળે કરી તપાસ
- રિક્ષાચાલકની પૂછપરછ કરતા જથ્થો બારોબાર જતો હોવાનું સામે આવ્યું
- કોના ઈશારે જથ્થો સગેવગે કરાતો હતો તેને લઈને તપાસ શરૂ
Rajkot: રાજકોટ (Rajkot) શહેરની શાળા નંબર 78 માં આવેલી આંગણવાડી કેન્દ્રમાંથી બાળકો અને ગર્ભવતી માતાઓ માટેના પોષણાહારની 36 થેલીઓ બારોબાર કરવાનો પ્રયાસ થયો હતો, પરંતુ ચાઈલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર (CDPO) ની સમયસરની કાર્યવાહીથી આ કૌભાંડ ઝડપાઈ ગયું છે.
આંગણવાડીનો બાળકોનો ખોરાક સગેવગે કરવાનું કૌભાંડ
મળતી માહિતી મુજબ આંગણવાડી કેન્દ્રમાંથી ઓટોરિક્ષામાં ભરેલો જથ્થો બહાર લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે CDPO ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તપાસ દરમિયાન રિક્ષામાંથી બાળશક્તિની 17 થેલી, માતૃશક્તિની 7 થેલી અને પૂર્ણાની 12 થેલી મળીને કુલ 36 થેલીઓ ઝડપાઈ હતી. આ જથ્થો આજીડેમ પાછળ રામવાન પાસે ઉતારવાનો હતો તેવું રિક્ષા ચાલકની પૂછપરછમાં સામે આવ્યું. નોંધનીય છે કે, આ સમયે આંગણવાડી સંચાલિકા નજમાબેન પઠાણ હાજર નહોતા, જેઓ બે દિવસથી રજા પર છે. જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે આંગણવાડીમાં કોઈ જવાબદાર વ્યક્તિ ઉપસ્થિત નહોતી.
આંગણવાડીની મહિલા હેલ્પરે શું કહ્યું ?
આંગણવાડીની મહિલા હેલ્પરે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમારી આંગણવાડીમાંથી કોઈ ખોરાક બહાર ગયો નથી. ગઈકાલે હું અહીંથી ગઈ ત્યારે તમામ થેલીઓ અહીં જ પડેલી હતી અને આજે પણ તે અહીં જ છે. કોઈ પ્રકારનું કૌભાંડ થયું નથી."જોકે, CDPOની તપાસમાં જથ્થો રિક્ષામાંથી મળી આવતાં આ મામલે પ્રશ્નો ઉભા થયા છે. કોના ઈશારે આ જથ્થો બારોબાર કરવામાં આવી રહ્યો હતો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ આંગણવાડી યોજના હેઠળ બાળકો અને માતાઓને મળતા પોષણના મહત્વને ફરી એકવાર ઉજાગર કર્યું છે. હકીકત અધિકારીઓની તપાસ બાદ જ સામે આવશે.
આ પણ વાંચો: Surat: આજે વર્ષ 2025નો છેલ્લો દિવસ, ઉજવણીમાં સુરક્ષાને લઈને કેવી છે સુરત પોલીસની તૈયારી?


