રાજ્યભરમાં જ્યારે શૈક્ષણિક સત્રની શરૂઆત નિમિત્તે ઉત્સાહનો માહોલ છે, ત્યારે આંગણવાડી કેન્દ્રો હવે માત્ર પોષણ કે પૂર્વ-પ્રાથમિક શિક્ષણ પૂરતા મર્યાદિત ન રહેતા બાળકોના સર્વાંગી અને શારીરિક વિકાસનું કેન્દ્ર બની રહ્યા છે. "આંગણવાડી પ્રવેશોત્સવ અને શાળા પ્રવેશોત્સવ" Shala Praveshotsav અંતર્ગત રાજકોટ(Rajkot) જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ-12 આંગણવાડી કેન્દ્રના નાના ભૂલકાંઓએ યોગની અદભુત કૃતિ રજૂ કરીને ઉપસ્થિત સૌ કોઈને આશ્ચર્યચકિત કર્યા હતા. આ નાનકડા બાળકોના આત્મવિશ્વાસે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના એક સરાહનીય અભિગમને સફળતાપૂર્વક લોકો સમક્ષ રજૂ કર્યો છે.
Anganwadi Praveshotsav : ભૂલકાંઓનો અદભુત આત્મવિશ્વાસ
ભૂલકાંઓનો અદભુત આત્મવિશ્વાસ: વેરાવળ(Veraval)-12 આંગણવાડી કેન્દ્રમાં આવતા 3 થી 6 વર્ષના અત્યંત નાના બાળકોએ પ્રવેશોત્સવ દરમિયાન ખૂબ જ સરળતાથી અને આત્મવિશ્વાસપૂર્વક સૂર્યનમસ્કાર તેમજ અન્ય યોગાસનો કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉંમરના બાળકો કોઈ પણ ક્ષતિ વિના સૂર્યનમસ્કારના તમામ સ્ટેપ્સ સચોટ રીતે કરી રહ્યા હતા, જે ઉપસ્થિત તમામ વાલીઓ અને અધિકારીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
કાર્યકર બહેનોની મહેનત અને સેટકોમ (SATCOM) તાલીમ
આ અભૂતપૂર્વ સફળતા પાછળ આંગણવાડી કાર્યકર બહેનોની રાત-દિવસની મહેનત અને વિભાગનું આયોજન જવાબદાર છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરની આંગણવાડી કાર્યકર બહેનોને સેટકોમ (SATCOM) ના માધ્યમથી ઓનલાઈન વિશેષ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમનો સદુપયોગ કરીને વેરાવળ-૧૨ કેન્દ્રના કાર્યકર બહેને બાળકોને રમત-ગમત સાથે નિયમિત અને વૈજ્ઞાનિક ઢબે યોગ કરાવવાનું શરૂ કર્યું હતું.
દૈનિક સમયપત્રકમાં ૧૫ થી ૨૦ મિનિટનો યોગાભ્યાસ
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરના આંગણવાડી કેન્દ્રોમાં બાળકો તંદુરસ્ત, સ્ફૂર્તિલા બને અને તેમની ઊંચાઈ તેમજ શારીરિક ક્ષમતામાં વધારો થાય તે માટે એક વિશેષ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત હવેથી દરરોજ આંગણવાડીના દૈનિક સમયપત્રકની શરૂઆતમાં જ પ્રથમ 15 થી 20 મિનિટ બાળકોને ફરજિયાત યોગાભ્યાસ કરાવવાનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.
આમ, વેરાવળ-૧૨ આંગણવાડી કેન્દ્રના બાળકો દ્વારા રજૂ કરાયેલું યોગ પ્રદર્શન એ સાબિત કરે છે કે જો યોગ્ય તાલીમ અને યોગ્ય દિશા આપવામાં આવે તો પાયાના સ્તરેથી જ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકાય છે. આંગણવાડીઓમાં ફરજિયાત કરવામાં આવેલો આ ૧૫-૨૦ મિનિટનો યોગાભ્યાસ આગામી સમયમાં રાજ્યના લાખો બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે એક સીમાચિહ્નરૂપ કદમ સાબિત થશે. પ્રવેશોત્સવનો આ નવતર પ્રયોગ સમગ્ર રાજ્યની આંગણવાડીઓ માટે પ્રેરણારૂપ બન્યો છે.
આ પણ વાંચો : Sairam Dave Father Death Rajkot: જાણીતા લોકસાહિત્યકાર સાંઈરામ દવેના પિતાનું નિધન, આવતીકાલે અંતિમયાત્રા નિકળશે