55

ભરતી અને વિવાદ એકબીજાના પર્યાય થઈ ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હેડકલાર્કની પરીક્ષામાં પેપરલીકની ઊર્જા વિભાગમાં ભરતી કૌભાંડ બાદ હવે વધુ એક ભરતી વિવાદોમાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકામાં 127 જુનિયર ક્લાર્કની ભરતીમાં નાપાસ થયેલા ઉમેદવારોને હાજર થવાના ઓર્ડર અપાતા વિવાદ ઉભો થયો છે. 127 જુનિયર ક્લાર્કની ભરતીમાં ગેરરીતિ થવાના ઉમેદવારોએ આક્ષેપ કર્યા છે. CPTની પરીક્ષામાં નાપાસ થયેલા 27 પરીક્ષાર્થીઓને હાજર થવાના ઓર્ડર અપાતા અન્ય વિદ્યાર્થિઓમાં રોષ ફાટી નિકળ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમ થકી ઉમેદવારોએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે પરીક્ષાર્થીઓના ભારે વિરોધ બાદ મનપા તંત્ર સફાળુ જાગ્યું હતું. રાજકોટ મનપાની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 27 લોકોને નિયમો વિરુદ્ધ શરતી નિમણૂંક અપાઈ છે. અને 122 વિદ્યાર્થીઓએ CPT ની પરીક્ષા પાસ કરી છે કે કેમ તેનો કોઈ ઉલ્લેખ થયો નથી. આ મુદ્દે મેયર ડો.પ્રદિપ ડવે બચાવ કરતા કહ્યું કે,CPTની પરીક્ષા માટે હાજર થનાર ઉમેદવારોને છ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો.
યુવરાજસિંહના સવાલો
આપ નેતા યુવરાજસિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી ખુલાસો કર્યો છે કે RMCમાં CPT પરીક્ષાનું આયોજન કર્યા પછી CPT પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. તેમ છતાં કુલ 27 લોકો કે જેમને CPTની પરીક્ષા આપી નથી અથવા CPTમાં પાસ થયા નથી, તેવા લોકોને શરતી નિમણૂંક આપવામાં આવી છે અને 6 મહિનામાં CPT પાસ કરવાની મુદ્દત આપી છે. આ ભરતી નિયમોથી તદ્દન વિરુદ્ધ છે. જો તમારે લેખિત પરીક્ષા પર જ મેરીટ બનાવું હતું તો CPT કેમ લેવામાં આવી? જાહેરાતમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે CPT પાસ કરશે એજ આગળની પ્રક્રિયા માટે યોગ્ય રેહશે તો શરતી નિમણુંક કેમ આપવામાં આવી? CPT ની પરીક્ષાનું પરિણામ કેમ જાહેર કરવામાં આવ્યું નથી? CPT પરિણામ જાહેર કર્યા વગર નિમણૂકો કેવી રીતે આપવામાં આવે? કેમ રાતોરાત ભરતીના નિયમો બદલવામાં આવ્યા?
અમિત અરોરા, મ્યુનિ.કમિશનર,રાજકોટ
27 ઉમેદવારે CPT ની પરીક્ષા નથી આપી અથવા નાપાસ છે, છતાં તેમને નોકરી આપવામાં આવી છે. CPT નાપાસ ઉમેદવારને શરતી નિમણૂક અપાતા વિવાદ ઉઠ્યો હતો. ત્યારે સમગ્ર મામલાને રાજકોટ મહાનગરપાલિકા ઠંડો પાડવાનો પ્રયાસ કરી રહી હતી. ભારે વિવાદ બાદ રાજકોટ મનપાએ ફાઈનલ ઓર્ડરની યાદીમાં સુધારો કર્યો. જેમાં મુખ્ય પરીક્ષા અને CPTની પરીક્ષામાં પાસ હોય તેવા જ અરજદારોનો યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલાક અરજદારોએ મેયર અને કમિશનરને મળીને રજૂઆત કરી હતી. ઉમેદવારોના વિરોધ બાદ મેયર પ્રદિપ ડવે તાત્કાલિક રિઝલ્ટમાં સુધારો કરવાની સૂચના આપી હતી. બાદમાં સુધારવામાં આવેલું રિઝલ્ટ મુક્યું હતું જેમાં CPTના માર્ક્સ ગણવામાં આવ્યા છે.