CAA Gujarat : સૌરાષ્ટ્રમાં ઐતિહાસિક ક્ષણ: 319 શરણાર્થીઓ બનશે ભારતીય નાગરિક
રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સૌરાષ્ટ્ર અને કચ્છના 319 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર અપાશે. CAA હેઠળ રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છના અરજદારોને મળશે નવા અધિકારો.
Advertisement
CAA Gujarat : રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સૌરાષ્ટ્ર અને કચ્છના 319 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર અપાશે. CAA હેઠળ રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છના અરજદારોને મળશે નવા અધિકારો.
CAA Gujarat : માનવીય ગૌરવ અને સન્માનજનક અસ્તિત્વ દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. પાડોશી દેશોમાં ધાર્મિક ઉત્પીડન અને અસલામતીનો સામનો કરીને ભારતને પોતાનું આશ્રયસ્થાન બનાવનારા હજારો પરિવારો માટે 'ધ સિટિઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ' (CAA) આશાનું નવું કિરણ બનીને આવ્યો છે. દાયકાઓથી અનિશ્ચિતતા અને શરણાર્થી તરીકેનું જીવન જીવતા આ નિર્દોષ લોકોને હવે ભારતના સત્તાવાર નાગરિક તરીકે કાયદેસર ઓળખ અને સુરક્ષા મળી રહી છે. આ જ દિશામાં આગળ વધતા, ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં સ્થાયી થયેલા 300 થી વધુ પરિવારોના જીવનમાં આવતીકાલે સુવર્ણ પ્રભાત ઊગવા જઈ રહ્યું છે.
CAA Gujarat : રાજકોટ ખાતે યોજાશે ભવ્ય નાગરિકતા એનાયત કાર્યક્રમ
રાજકોટ(Rajkot)ના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે આવતીકાલે તા. 15 ઓક્ટોબરના રોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી(DyCM Harsh Sanghavi)ની અધ્યક્ષતામાં એક વિશેષ 'ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત' સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના કુલ ૩૧૯ શરણાર્થી અરજદારોને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો સોંપવામાં આવશે.
જિલ્લાવાર વિગત નીચે મુજબ છે:
- રાજકોટ જિલ્લો: 259 અરજદારો
- મોરબી જિલ્લો: 53અરજદારો
- કચ્છ જિલ્લો: 6 અરજદારો
- સુરેન્દ્રનગર જિલ્લો: 1 અરજદાર
CAA Gujarat : અગાઉ યોજાયેલા કાર્યક્રમોની શૃંખલા
ગુજરાત સરકાર દ્વારા શરણાર્થીઓને નાગરિકતા પ્રદાન કરવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે:
- 18 ઓગસ્ટ, 2024: અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah)ની ઉપસ્થિતિમાં ૧૮૮ અરજદારોને નાગરિકતા આપવામાં આવી હતી.
- 25 જુલાઈ,2025: રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં રાજકોટ, મોરબી અને કચ્છના ૧૮૧ અરજદારોને નાગરિકત્વ અપાશે.
- આ શૃંખલાના ભાગરૂપે આવતીકાલે વધુ ૩૧૯ પરિવારો ભારતીય નાગરિક બનશે.
કાયદાકીય જોગવાઈ અને અધિકારો
ધ સિટિઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાનમાંથી 31 ડિસેમ્બર, 2014 સુધી કે તે પહેલાં ભારતમાં પ્રવેશેલા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી ધર્મના લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ છે. આ કાયદા મુજબ અરજદાર ભારતમાં પ્રવેશ્યાની તારીખથી જ નાગરિકતા મળવાપાત્ર બને છે.
નાગરિકતા મળવાની સાથે જ આ તમામ લોકોને હવે ભારતમાં શિક્ષણ, ઉત્તમ આરોગ્ય સેવાઓ, મિલકત ખરીદવાનો અધિકાર, રેશનકાર્ડ, તમામ સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ તેમજ લોકશાહીમાં સૌથી મહત્ત્વપૂર્ણ એવો મતાધિકાર પ્રાપ્ત થશે.
વર્ષો સુધી ઓળખ અને અધિકારો વિના જીવ્યા બાદ મળેલું આ નાગરિકત્વ માત્ર એક કાગળનો ટુકડો નથી, પરંતુ આ પરિવારો માટે આત્મસન્માન અને સુરક્ષિત ભવિષ્યની ગેરંટી છે. ભારતે સદીઓથી પીડિતોને આશરો આપવાની પોતાની ઉદાર પરંપરા જાળવી રાખી છે, અને આ પગલાથી શરણાર્થીઓ હવે મુખ્ય પ્રવાહમાં જોડાઈને દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં સમાન ભાગીદાર બની શકશે. ભય અને અનિશ્ચિતતાના અંધકારમાંથી બહાર નીકળીને આ પરિવારો હવે ગર્વભેર કહી શકશે કે "અમે ભારતીય છીએ."

