ઉદ્યોગ જગતના દિગ્ગજોની હાજરી
આ કોન્ફરન્સમાં દેશના સૌથી મોટા ઉદ્યોગગૃહ રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ અંબાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણી અને ધનરાજભાઈ નથવાણી પણ હાજર રહ્યા હતા, જે ગુજરાતમાં રિલાયન્સના ભાવિ રોકાણોની મજબૂત કટિબદ્ધતા દર્શાવે છે. આ ઉપરાંત, અદાણી પોર્ટસના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણી અને ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સમીર મહેતાએ પણ હાજરી આપી હતી. GCCIના પ્રમુખ સંદીપ એન્જિનિયર સહિતના અગ્રણીઓએ પણ આ સમિટમાં ભાગ લઈ ગુજરાતના વેપાર જગતનો ઉત્સાહ વધાર્યો હતો. સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુકેશભાઈ અંબાણીની મોટી જાહેરાત
ઉપસ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશભાઈ અંબાણીએ કહ્યું, "જય સોમનાથ! સોમનાથ ખાતે આપણા વડા પ્રધાનની પ્રાર્થનાના સકારાત્મક સ્પંદનો ગુજરાત અને ભારતમાં ગુંજતા રહ્યા છે. વડાપ્રધાન, તમે ભારતને એક સભ્યતા તરીકેનો આત્મવિશ્વાસ પાછો આપ્યો છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આપણે ભારતમાં આટલી આશા, આટલો આત્મવિશ્વાસ અને આટલી જીવંતતા ક્યારેય જોઈ નથી જેટલી આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. તમારા વિઝનએ આગામી 50 વર્ષ અને તેથી વધુ સમય માટે ભારતના માર્ગને ફરીથી આકાર આપ્યો છે. ઇતિહાસ નોંધશે કે મોદી યુગ એ છે જ્યારે ભારત ક્ષમતાથી પ્રદર્શન તરફ, આકાંક્ષાથી કાર્ય તરફ અનુયાયી બનવાથી વૈશ્વિક શક્તિ બનવા તરફ આગળ વધ્યું. છેલ્લા 5 વર્ષમાં અમે રૂ. 3.5 લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. આજે, મને જાહેરાત કરતા આનંદ થાય છે કે અમે આગામી પાંચ વર્ષમાં આને બમણું કરીને રૂ. 7 લાખ કરોડ કરીશું.
કૃત્રિમ બુદ્ધિ માટે ડેટા સેન્ટર બનાવાની વાત
મુકેશભાઈ અંબાણીએ વધુમાં કહ્યું જામનગરમાં અમે દરેક ભારતીય માટે સસ્તુ AI સાથે એક જ ધ્યેય સાથે, ભારતનું સૌથી મોટું કૃત્રિમ બુદ્ધિ માટે ડેટા સેન્ટર બનાવી રહ્યા છીએ. Jio ભારતમાં બનેલ એક પીપલ-ફર્સ્ટ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ લોન્ચ કરશે. ભારત અને વિશ્વ માટે, ગુજરાતથી શરૂ કરીને, દરેક નાગરિકને દરરોજ તેમના પોતાના ઉપકરણ પર તેમની પોતાની ભાષામાં AI સેવાઓનો ઉપયોગ કરવા સક્ષમ બનાવશે, જે તેમને વધુ કાર્યક્ષમ અને ઉત્પાદક બનાવશે.
વૈશ્વિક પ્રતિસાદ અને આંતરરાષ્ટ્રીય ડેલિગેટ્સ
સમિટની સફળતા વિશે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, આ આયોજનમાં વિશ્વના 40 દેશોના અંદાજે 350 જેટલા વિદેશી ડેલિગેટ્સે ભાગ લીધો છે. 16 જેટલા દેશોના ઉચ્ચ સ્તરીય મહાનુભાવો ખાસ આ કાર્યક્રમમાં પધાર્યા છે, જે દર્શાવે છે કે વાઇબ્રન્ટ ગુજરાત હવે માત્ર રાજ્યનો જ નહીં પરંતુ વૈશ્વિક મંચ બની ગયો છે.
MSME સેક્ટર માટે નવી આશા
હર્ષભાઈ સંઘવીએ વધુમાં ઉમેર્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો સૌથી મોટો ફાયદો MSME (લઘુ અને મધ્યમ ઉદ્યોગ) સેક્ટરને થશે. રાજકોટ જે એન્જિનિયરિંગ હબ તરીકે ઓળખાય છે, ત્યાં આ પ્રકારના આયોજનથી સ્થાનિક ઉદ્યોગકારોને આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને ટેકનોલોજી સાથે જોડાવાની તક મળશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "વાઇબ્રન્ટ સમિટમાં જે વચનો આપવામાં આવે છે, તે ચોક્કસપણે પૂરા કરવામાં આવે છે."
ગિફ્ટ સિટી અંગે શું કહ્યું?
ગિફ્ટ સિટી (GIFT City) નો ઉલ્લેખ કરતા હર્ષભાઈએ જણાવ્યું કે, એક સમયે વિરોધીઓ તેને માત્ર એક સપનું ગણાવતા હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મક્કમ નિર્ધારને કારણે આજે ગિફ્ટ સિટી વાસ્તવિકતા બનીને વિશ્વની સામે ઉભું છે. તેમણે તમામ રોકાણકારોને ખાતરી આપી હતી કે ગુજરાત સરકાર હંમેશા તેમની સાથે છે અને રાજ્યમાં વેપાર માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવા માટે કટિબદ્ધ છે. આ સમિટ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાત માટે હજારો કરોડના રોકાણો અને રોજગારીની નવી તકોના દ્વાર ખોલશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Rajkot: વિંછીયાના ઓરી ગામે જાહેરમાં ફાયરિંગ, 5 આરોપીની ધરપકડ, વાંચો વધુ