Gondal : પિતાનું હાર્ટ એટેકથી મૃત્યુ, પુત્રે ડેમમાં ઝંપલાવ્યું
- Gondal માં એક જ દિવસે પિતા–પુત્રનું અવસાન
- મેમણ પરિવારમાં દુઃખ : પિતાના મોત બાદ પુત્રનો મૃતદેહ ડેમમાંથી મળી આવ્યો
- એક જ પરિવાર પર દુખનો ડબલ ઘા
- ગોંડલમાં પિતા હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યાં, પુત્રે ડેમમાં ઝંપલાવ્યું
Gondal : ગોંડલના મેમણ પરિવાર પર તાજેતરમાં કરુણાંતિકા સર્જાઇ હતી. શાકભાજીનો ધંધો કરતા ગફારભાઈ લતીફભાઈ બકાલી (ઉ.65) નું સવારે હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું, જેના પગલે સાંજે તેમની દફનવિધિની તૈયારીઓ ચાલી રહી હતી. આ કરુણ સમયમાં જ, છેલ્લા બે દિવસથી ઘરેથી ચાલ્યા ગયેલા તેમના યુવાન પુત્ર ઇમ્તિયાઝ (ઉ.37) નો મૃતદેહ સેતુબંધ ડેમ માંથી મળી આવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આ ઘટનાના કારણે સમગ્ર પંથકમાં કલ્પાંત છવાઈ ગયો હતો.
આપને જણાવી દઇએ કે, ઇમ્તિયાઝ તેના પિતાને શાકભાજીના વ્યવસાયમાં મદદરૂપ થતો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, ઇમ્તિયાઝ 2 દિવસ પહેલા ઘરેથી નીકળી ગયો હતો અને સગા-સંબંધીઓ તેની શોધખોળ કરી રહ્યા હતા. ત્યારે સેતુબંધ ડેમ પર હાજર એક વ્યક્તિએ ઇમ્તિયાઝને ડેમમાં ઝંપલાવતા જોઈને તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી, પરંતુ તરવૈયાઓ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ તે ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. મૃતદેહ મળ્યા બાદ તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
ઈમ્તિયાઝના લગ્ન થયા હતા, પરંતુ થોડા સમયમાં જ તેના છૂટાછેડા થઈ ગયા હતા. પરિવારમાં એક જ દિવસે વૃદ્ધ પિતા અને યુવાન પુત્રના મૃત્યુ નિપજતા ભારે કલ્પાંત સર્જાયો હતો. આ કરુણ બનાવના પગલે મેમણ સમાજના અગ્રણીઓ, જેમાં પ્રમુખ ઇરદીશભાઈ શેખા, ફતેમહમંદ નુરસુમાર અને નગરસેવક આસિફભાઈ જકરિયા સહિતના આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા. ભારે હૈયે સમાજ દ્વારા પિતા અને પુત્ર બંનેની દફનવિધિની વ્યવસ્થા કરવામાં આવી હતી.
અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો : Rajkot : ગોંડલમાં સરકારી શાળાના શિક્ષકનો આપઘાત : ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું