ગોંડલમાં ખેડૂતની 6 કરોડની જમીન પચાવી પાડવાનું કૌભાંડ: Ganesh Jadeja એ માત્ર 3 દિવસમાં અપાવ્યો ન્યાય
- લોન અપાવવાના બહાને રાજકોટના શખ્સોએ આચરી છેતરપિંડી
- 10 વીઘા કિંમતી જમીનનો જંત્રીના ભાવે કરાવી લીધો હતો દસ્તાવેજ
- ધારાસભ્ય પુત્ર ગણેશભાઈ જાડેજા ખેડૂત પરિવારની વહારે આવ્યા
- રાત્રે 1 વાગ્યે ખેડૂતની આપવીતી સાંભળી રાતોરાત જમીન પરત અપાવી
- ગોંડલને 'મિર્ઝાપુર' કહેનારા તત્વોને ગ્રામજનોએ આપ્યો સણસણતો જવાબ
કહેવાય છે કે જ્યારે કાયદો અને વ્યવસ્થાના દ્વાર સામાન્ય માણસ માટે બંધ થવા લાગે, ત્યારે લોકસેવકોની સાચી કસોટી થતી હોય છે. આવો જ એક કિસ્સો ગોંડલના (Gondal) મોટા ઉમવાડા ગામેથી સામે આવ્યો છે. અહીં એક નિર્દોષ ખેડૂતની પૂર્વજોની જમીન રાજકોટના ભૂમાફિયાઓએ પચાવી પાડી હતી, પરંતુ ધારાસભ્ય પુત્ર ગણેશભાઈ જાડેજાએ (Ganesh Jadeja) અડધી રાત્રે વહારે આવીને અશક્ય લાગતું કામ કરી બતાવ્યું છે.
લોનના નામે મોટું કૌભાંડ
મોટા ઉમવાડા ગામના ખેડૂત અશોકભાઈ ઓઘળભાઈ મકવાણાને પોતાની આર્થિક જરૂરિયાત પૂરી કરવા માટે પૈસાની જરૂર હતી. તેમણે એક મિત્ર મારફતે રાજકોટના કેટલાક શખ્સોનો સંપર્ક કર્યો. આ શખ્સોએ અશોકભાઈને વિશ્વાસમાં લીધા અને 1.75% ના વ્યાજે ₹3 લાખની લોન (Loan) અપાવવાનું વચન આપ્યું. લોન આપવાની આડમાં આ અસામાજિક તત્વોએ છેતરપિંડી આચરી હતી. અશોકભાઈ પાસે લોનના ડોક્યુમેન્ટ્સ હોવાનું કહીને તેમની 10 વીઘા કિંમતી જમીનનો જંત્રીના ભાવે દસ્તાવેજ કરાવી લીધો હતો. આ જમીનની બજાર કિંમત અંદાજે ₹6 કરોડ જેટલી થવા જાય છે.
જ્યારે ખેડૂતના પગ નીચેથી જમીન સરકી ગઈ
જમીનનો દસ્તાવેજ થઈ ગયો હોવાનો મેસેજ જ્યારે અશોકભાઈના મિત્રના મોબાઈલમાં આવ્યો, ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા. પોતાની પેઢીઓની મિલકત એક જ ઝાટકે ગુમાવવાનો ડર તેમને સતાવવા લાગ્યો. આખરે કોઈ રસ્તો ન દેખાતા તેઓ ગણેશભાઈ જાડેજાના શરણે પહોંચ્યા. અશોકભાઈએ જણાવ્યું કે, "અમે રાત્રે 1 વાગ્યે ગણેશભાઈના ઘરે પહોંચ્યા હતા. તેમણે અડધી રાત્રે અમારી વાત શાંતિથી સાંભળી અને અમને ખાતરી આપી કે તમારી જમીન તમને પાછી મળશે."
72 કલાકમાં બાજી પલટાઈ
ગણેશભાઈ જાડેજાએ ખેડૂતની આપવીતી સાંભળીને તાત્કાલિક કડક વલણ અપનાવ્યું. તેમણે આ જમીન કૌભાંડમાં (Land Scam) સંડોવાયેલા તત્વો સામે આક્રમક વલણ દાખવ્યું અને કાયદાકીય રીતે ખેડૂતનો પક્ષ મજબૂત કર્યો. પરિણામ એ આવ્યું કે જે જમીન પચાવી પાડવા માટે ભૂમાફિયાઓએ આખું જાળ બિછાવ્યું હતું, તે જમીન માત્ર 72 કલાકમાં એટલે કે 3 દિવસમાં ખેડૂત પરિવારને પરત સોંપવી પડી.
'મિર્ઝાપુર' નહીં, આ રક્ષકોનું ગોંડલ છે
ન્યાય મળ્યા બાદ મોટા ઉમવાડા ગામે મેલડી માતાજીના મંદિરે એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામજનોએ ગણેશભાઈનું ફૂલહારથી સ્વાગત કર્યું અને "ગણેશભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ" ના નારા લગાવ્યા હતા. આ પ્રસંગે ગામના અગ્રણીઓએ સોશિયલ મીડિયા પર ગોંડલને 'મિર્ઝાપુર' (Mirzapur) તરીકે ઓળખાવતા લોકો સામે રોષ ઠાલવ્યો હતો. તેમણે કહ્યું કે, ગોંડલમાં ગુંડાગીરી નથી, પરંતુ અહીં ગણેશભાઈ જેવા યુવા નેતા છે જે અડધી રાત્રે ગરીબ ખેડૂતો માટે ઉભા રહે છે. અશોકભાઈએ ભાવુક થઈને કહ્યું કે, "જાડેજા પરિવાર અમારા માટે ભગવાન સમાન છે, તેમણે અમારી ડૂબતી નૈયા બચાવી લીધી છે."
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો : Gir Somnath: દેવસ્થાન પર ડિમોલિશનથી ભારે વિવાદ, તંત્રની ભૂલ બાદ કલેક્ટરે આપ્યું પુનઃનિર્માણનું આશ્વાસન


