Gondal : શહેરની મધ્યમાંથી વર્ષો જૂની ઝૂંપડપટ્ટી પર બુલડોઝર ફર્યું, 8000 ચો.મી. જમીન ખુલ્લી કરાઈ
- Gondal : એમ.બી. કોલેજ પાસેની 'તાલુકાના પટ' તરીકે ઓળખાતી જગ્યામાં ડિમોલિશન
- આશરે 150 કાચા ઝૂંપડાં દૂર કરાયા; જગ્યા પર રેવન્યુ ક્વાર્ટર બનશે
- દબાણ હટાવવાની કામગીરીમાં 'વહાલા-દવલા'ની નીતિ રખાતી હોવાનો ગૌસેવકોનો આક્ષેપ
Gondal Demolition : ગોંડલ શહેરની મધ્યમાં એમ.બી. કોલેજની બાજુમાં આવેલી અને 'તાલુકાના પટ' તરીકે ઓળખાતી સરકારી જમીન પર વહીવટી તંત્ર દ્વારા ગઇકાલે (મંગળવાર) સવારે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. નગરપાલિકા તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વર્ષો જૂની ઝૂંપડપટ્ટી પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા આશરે 8,000 સ્ક્વેર મીટર જેટલી કિંમતી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
રેવન્યુ ક્વાર્ટર માટે જગ્યા ખાલી કરાવાઈ
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના ભુવનેશ્વરી મંદિર નજીક કોલેજને અડીને આવેલી આ જગ્યા પર અંદાજે 150 જેટલા ઝૂંપડાં ખડકાયેલા હતા. આ જમીન અગાઉ નગરપાલિકા હસ્તક હતી, પરંતુ ત્યારબાદ તે ડેપ્યુટી કલેક્ટર હસ્તક સોંપવામાં આવી હતી. અહીં રેવન્યુ વિભાગના કર્મચારીઓ માટે સરકારી ક્વાર્ટર બનાવવાની દરખાસ્ત કલેક્ટર દ્વારા મંજૂર કરવામાં આવતા દબાણ હટાવવાના આદેશો જારી થયા હતા. તંત્ર દ્વારા દબાણકર્તાઓને 2 મહિના અગાઉ જગ્યા ખાલી કરવા નોટિસ પાઠવવામાં આવી હતી, તેમ છતાં દબાણ દૂર ન થતાં આજે સવારે પોલીસ કાફલા સાથે ડિમોલિશનની કામગીરી પાર પાડવામાં આવી હતી.
ગૌસેવકોમાં રોષ : 'તંત્રની બેધારી નીતિ'નો આક્ષેપ
ડિમોલિશનની કામગીરી દરમિયાન વિવાદ પણ સર્જાયો હતો. દબાણવાળી જગ્યાની નજીક જૂની હોમગાર્ડ ઓફિસને અડીને આવેલી રામગરબાપુ ગૌશાળાનો બહાર પડેલો પાલો અને ઘાસચારો તાત્કાલિક હટાવી લેવા માટે તંત્રએ તાકીદ કરતા ગૌસેવકોમાં રોષ ફેલાયો હતો. રામગરબાપુ ગૌસેવા ટ્રસ્ટના જયકરભાઈએ તંત્ર સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "આ વિસ્તારમાં અનેક લોકોએ પાકાં બાંધકામો કરીને દબાણો કર્યા છે, જે હટાવવાની તંત્ર હિંમત ધરાવતું નથી. પરંતુ મૂંગા પશુઓ માટેનો ઘાસચારો તંત્રને નડતરરૂપ લાગે છે." તેમણે તંત્ર પર દબાણ હટાવવાની કામગીરીમાં 'વહાલા-દવલા'ની નીતિ રાખવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.
અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો : Gondal : પિતાનું હાર્ટ એટેકથી મૃત્યુ, પુત્રે ડેમમાં ઝંપલાવ્યું