Gondal Fair : ગોંડલના પ્રખ્યાત અને આઇકોનિક મેળામાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. મેળામાં ચાલતી લોકપ્રિય 'બ્રેક ડાન્સ' રાઇડમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે લોકોમાં થોડા સમય માટે ફફડાટ ફેલાઈ ગયો હતો.
એક કોર્ટર પિન તૂટી હતી
પ્રાપ્ત વિગતો અનુસાર, રાઇડ ચાલુ હતી ત્યારે તેની એક કોર્ટર પિન અચાનક તૂટી ગઈ હતી. જેના લીધે રાઇડનું નીચેનું લોખંડનું પતરું એક તરફથી ઊંચું થઈ ગયું હતું અને રાઇડ એક તરફ અચાનક નમી પડી હતી. જોકે, સ્થિતિની ગંભીરતાને પારખીને સંચાલકો દ્વારા તાત્કાલિક ધોરણે રાઇડને બંધ કરાવી દેવામાં આવી હતી. સદનસીબે આ ટેકનિકલ ખામી સર્જાવા છતાં કોઈ પણ પ્રકારની ઈજા કે જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, જેથી મોટો અનર્થ ટળી ગયો હતો.
બ્રેક ડાન્સ રાઇડમાં ટેકનિકલ ખામી
ઘટના બાદ પોલીસ અને મેળાના આયોજકોએ તાત્કાલિક સ્થિતિ સંભાળી લીધી હતી અને લોકોને સોશિયલ મીડિયા કે અન્ય જગ્યાએ ખોટી અફવાઓ ન ફેલાવવા માટે વિશેષ અપીલ કરી હતી. તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે યાંત્રિક વિભાગની ટીમ દ્વારા રાઇડની સંપૂર્ણ અને ઝીણવટભરી તપાસ કરવામાં આવશે, અને ખાતરી થયા બાદ જ તેને ફરીથી ચાલુ કરવામાં આવશે.
આ પણ વાંચો : Patan Accident: રાધનપુર પાસે ટ્રક પાછળ ઈકો કાર ઘૂસતા 3નાં મોત