ગોંડલ: 79.81 લાખ રૂપિયામાં ગ્રાઉન્ડ બૂક, સાત દિવસ લોકમેળાની રમઝટ
- ગોંડલ: 79.81 લાખ રૂપિયામાં ગ્રાઉન્ડ બૂક, સાત દિવસ લોકમેળાની રમઝટ
- સૌરાષ્ટ્રના બીજા નંબરના ગણાતા ગોંડલના લોકમેળા માટે નગરપાલિકા દ્વારા ઓનલાઈન ટેન્ડર ખોલાતા મેળાનું ગ્રાઉન્ડ રૂ. 79.81 લાખ રૂપિયામાં દેવામાં આવ્યું : સાત દિવસ લોક મેળાની જમાવટ થશે.
ગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા પ્રતિવર્ષ કોલેજ ચોક ખાતે આવેલ સંગ્રામસિંહજી હાઇસ્કુલના ગ્રાઉન્ડ ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ માટે પાલિકા તંત્ર દ્વારા ઓનલાઈન ટેન્ડર મંગાવાતા લોકમેળાના ગ્રાઉન્ડ માટે છ ટેન્ડર આવ્યા હતા. જે નગર પાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, ઉપપ્રમુખ પ્રતિનિધિ વૈભવભાઈ ગણાત્રા, કારોબારી ચેરમેન ક્રિપાલસિંહ જાડેજા, ચીફ ઓફિસર એ.જે.વ્યાસ તેમજ નગરપાલિકા સદસ્યોની ઉપસ્થિતિમાં ઓનલાઈન ટેન્ડર ખોલવામાં આવ્યા હતા. જેમાંથી રૂ.79.81 લાખનું ટેન્ડર ભાર્ગવભાઈ પરમારનું ટેન્ડર મંજુર થવા પામ્યું હતું. આગામી તારીખ 14 ઓગસ્ટ થી 20 ઓગસ્ટ દરમિયાન લોકમેળાની જમાવટ જામનાર છે.
નગરપાલિકાને તળિયાનો ઐતિહાસિક રેકોર્ડબ્રેક ભાવ મળ્યો
ગોંડલ નગર પાલિકા સંચાલિત લોકમેળાની આજ રોજ ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા નગર પાલિકા ખાતે હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ છ ટેન્ડરો આવ્યા હતા. જેમાં ઓનલાઈન ટેન્ડર ખુલતા ગોંડલ નગરપાલિકાને લોકમેળાના ઐતિહાસિક રેકોર્ડબ્રેક ભાવ 79,81,968/- મળ્યો હતો. નગરપાલિકા દ્વારા સંગ્રામજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડનો તળિયાનો ભાવ 51 લાખ જાહેર કરાયો હતો. ત્યારે આજરોજ યોજાયેલ ટેન્ડર પ્રક્રિયામાં તળિયાના જાહેર કરાયેલા ભાવ કરતા 28.81 લાખ વધુ મળ્યા હતા.
મેળા ની આવક શહેરના વિકાસ કાર્યોમાં વાપરવામાં આવશે.
લોકમેળા અંગે પાલિકાના લોકમેળા કમિટીના અધ્યક્ષ ક્રિપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા ગ્રાઉન્ડની આવેલી રકમ માંથી 5% સંગ્રામજી હાઈસ્કૂલમાં વપરાશે જ્યારે અન્ય રકમ બાલાશ્રમ, નંદી શાળા તેમજ શહેરના વિકાસના કાર્યોમાં વાપરવામાં આવશે. ગત વર્ષે રાઈડ્સની મંજૂરીના અભાવે લોકમેળો રદ્દ કરવામાં આવ્યો હતો. ત્યારે આ વર્ષે સાત દિવસ લોકમેળાની રંગત જામશે. તેમજ લોકમેળામાં સીસીટીવી કેમેરા, લાઈવ પ્રસારણ, પોલીસ બંદોબસ્ત, વીમા કવચ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવનાર છે તેમજ સાત દિવસ ચાલનાર લોક મેળામાં અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો- અંબાજીમાં ગૌ આંદોલન; લોકોએ કહ્યું- યોગ્ય નિર્ણય લો નહીં તો અંબાજી બંધ રહેશે


