IND vs NZ Rajkot: મેચ જોવા જાવ છો? તો પહેલા જાણી લો ટ્રાફિક અને પાર્કિંગના આ નવા નિયમો
- IND vs NZ Rajkot : ખંઢેરી સ્ટેડિયમ પોલીસ છાવણીમાં ફેરવાયું
- આવતીકાલે ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાશે રસાકસીભરી મેચ
- 3 SP સહિત 700 પોલીસ જવાનોનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો
- જામનગર રોડ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો
- રોડ પર આડેધડ પાર્કિંગ કરનારના વાહનો ટોઈંગ કરવામાં આવશે
IND vs NZ Rajkot : ક્રિકેટરસિયાઓ જેના માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની રોમાંચક મેચ માટે રાજકોટનું ખંઢેરી સ્ટેડિયમ સજ્જ થઈ ગયું છે. આવતીકાલે રમાનારી આ હાઈ-પ્રોફાઈલ મેચમાં વિરાટ કોહલી અને હોમ ગ્રાઉન્ડના હિરો રવિન્દ્ર જાડેજા જેવા સ્ટાર ખેલાડીઓ મેદાનમાં ઉતરવાના હોવાથી ફેન્સમાં ભારે ઉત્સાહ છે. આ સ્થિતિને પહોંચી વળવા અને સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે પત્રકાર પરિષદ યોજીને સુરક્ષાનો મેગા પ્લાન જાહેર કર્યો છે.
IND vs NZ Rajkot : લોખંડી પોલીસ બંદોબસ્ત
રાજકોટ જિલ્લા પોલીસ વડાની સીધી દેખરેખ હેઠળ સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારમાં અભેદ સુરક્ષા કવચ ગોઠવી દેવામાં આવ્યું છે. મેચ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 3 એસપી (SP), 4 ડીવાયએસપી (DySP), અને 14 પીઆઈ (PI) સહિત કુલ 700 જેટલા પોલીસ જવાનો ખડેપગે રહેશે. આ ઉપરાંત 400 હોમગાર્ડ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષામાં ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ થશે, જેમાં 100 જેટલા બોડીવોર્ન કેમેરાથી પોલીસની બાજ નજર રહેશે.
જામનગર હાઈવે પર ટ્રાફિક ડાયવર્ઝન અને પ્રતિબંધો
મેચના દિવસે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે જામનગર રોડ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જામનગરથી રાજકોટ તરફ આવતા ભારે વાહનોને પડધરીથી ડાયવર્ટ કરવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ વાહન જામનગર રોડ પર આડેધડ પાર્ક કરેલું જણાશે તો પોલીસ તેને ટોઈંગ કરીને દૂર કરશે. મેચ જોવા આવતા દર્શકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પોલીસ સહાયતા કેન્દ્રો પણ ઉભા કરવામાં આવશે.
પાર્કિંગ વ્યવસ્થા અને એન્ટિ-ક્રાઈમ સ્કવોડ સક્રિય
30,000 ની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમમાં આવતા પ્રેક્ષકો માટે પાર્કિંગની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ 7 જેટલા પાર્કિંગ પ્લોટ અનામત રાખવામાં આવ્યા છે, જેમાં 5,000 ટુ-વ્હીલર અને 5,000 ફોર-વ્હીલર સરળતાથી પાર્ક થઈ શકશે. બીજી તરફ, મેચની ભીડનો લાભ લેતા ખિસ્સાકાતરૂઓને પકડવા માટે પોલીસે 10 ખાસ ટીમો બનાવી છે. ટિકિટના કાળાબજાર રોકવા માટે સાયબર ક્રાઈમ અને પોલીસની ટીમો સતત વોચ રાખશે. સુરક્ષાના ભાગરૂપે સ્ટેડિયમની આસપાસનો વિસ્તાર 'નો ડ્રોન ફ્લાઈંગ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Ind vs NZ Rajkot ODI: રંગીલા રાજકોટમાં ક્રિકેટનો જંગ! 27 વર્ષ પછી ઈતિહાસ રચાશે


