જંગલેશ્વરમાં ગેરકાયદે ‘રેન્ટલ નેટવર્ક’નો પર્દાફાશ: રહેમત ઉર્ફે રામનીથી મૂર્ઘા ગેંગ સુધીના કુખ્યાત તત્વોનો ‘અભેદ ગઢ’ કડકભૂસ
- Illegal Rental Network: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશનનો મામલો
- જંગલેશ્વરમાં ચાલી હતી ગેરપ્રવૃતિ અને મકાનોને લઈને ખુલાસા
- જંગલેશ્વર વિસ્તારમાં હિસ્ટ્રીસીટર આપતા હતા મકાન ભાડે
- 11 હિસ્ટ્રીશીટરના 8 મકાનો, 97 ઓરડીઓ અને 3 દુકાનો હોવાનો થયો ખુલાસો
- મૂર્ઘા ગેંગના 21 શખ્સો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી
Illegal Rental Network: રાજકોટ શહેરના કુખ્યાત જંગલેશ્વર વિસ્તાર (Jangleshwar) માં તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલિશન બાદ ગેરકાયદે ‘રેન્ટલ નેટવર્ક’ (Illegal Rental Network) સહિતના ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. આ ડિમોલિશન (Jangleshwar Demolition) માત્ર સરકારી જમીન ખાલી કરાવવા પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ તેનાથી દાયકાઓથી ચાલતી ગુનાખોરીની આર્થિક કરોડરજ્જુ પણ ભાંગી પડી છે.
હિસ્ટ્રીશીટરોનું ભાડાનું નેટવર્ક અને મિલકતોનો પર્દાફાશ
જંગલેશ્વર (Jangleshwar Demolition) વિસ્તારમાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં રીઢા ગુનેગારોની કાળી કમાણીના સ્ત્રોત સમાન 'રેન્ટલ નેટવર્ક' (Illegal Rental Network) નો સનસનીખેજ ખુલાસો થયો છે. DCP ક્રાઈમ બ્રાન્ચ જગદીશ બાંગરવાના જણાવ્યા અનુસાર, આ વિસ્તારના 11 જેટલા નામચીન હિસ્ટ્રીશીટરોએ સરકારી જમીનો પર ગેરકાયદેસર રીતે મકાનો અને ઓરડીઓનો ખડકલો કરી દીધો હતો. આ મિલકતોને ભાડે આપીને જે લાખો રૂપિયાની આવક મેળવવામાં આવતી હતી, તેનો સીધો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અને ગેંગના સંચાલન માટે કરવામાં આવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
Rajkot Jangleshwar Demolition : જંગલેશ્વરમાં અધિકારીઓનું સઘન પેટ્રોલિંગ! | Gujarat First
રાજકોટ જંગલેશ્વરમાં પોલીસ કમિશનરે કર્યું ફૂટ પેટ્રોલિંગ
બ્રિજેશ કુમાર સાથે JCP, DCP ટીમ પણ જોડાઈ
ઘોડેસવાર પોલીસે પણ કર્યું વિસ્તારમાં પેટ્રોલિંગ
ડિમોલિશન બાદ ગાડી પ્રવેશ ન થતા ઘોડેસવારો… pic.twitter.com/jh9zNQMMFw— Gujarat First (@GujaratFirst) February 24, 2026
રહેમત ઉર્ફે રામનીથી મૂર્ઘા ગેંગ સુધીનું વિશાળ નેટવર્ક- Illegal Rental Network
તપાસ દરમિયાન મિલકતોના આંકડાઓ પણ ચોંકાવનારા છે. જેમાં કુખ્યાત રહેમત (Rehmat) ઉર્ફે રામની જુણેજા પાસે 3 આલીશાન મકાન અને 48 રૂમોનું વિશાળ નેટવર્ક મળી આવ્યું છે. આ ઉપરાંત, સમીર ઉર્ફે સંજલાની 16 રૂમો, અસીમ ઉમરેટાની 12 રૂમો, તથા જાવેદ જુસેબ અને તોશીફ ઉમરેટાની 8-8 રૂમો મળી આવી છે. જ્યારે સમીર ઉર્ફે મૂર્ધા પઠાણ નામના શખ્સની 3 રૂમો હોવાનું ખુલ્યું છે. સમગ્ર ઓપરેશન દરમિયાન 11 કુખ્યાત શખ્સોના કુલ 8 મકાનો, 97 ઓરડીઓ અને 3 દુકાનોનો પર્દાફાશ થયો છે. આ મિલકતો માત્ર રહેઠાણ નહીં, પરંતુ આ વિસ્તારમાં ચાલતી તમામ ગેરકાયદે પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બની હતી, જેને હવે તંત્ર દ્વારા તોડી પાડીને ગુનેગારોની આર્થિક કમર તોડી નાખવામાં આવી છે.
ગુનાખોરીનું એપીસેન્ટર બન્યુ હતું જંગલેશ્વર- Illegal Rental Network
રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર (Jangleshwar) છેલ્લા લાંબા સમયથી કેફી દ્રવ્યોના કાળા કારોબાર માટે કુખ્યાત રહ્યો છે. આ વિસ્તાર માત્ર ગાંજો, ચરસ, અફીણ અને ડ્રગ્સ જેવા નશાકારક પદાર્થોના વેચાણ માટે જ બદનામ નથી, પરંતુ તે ડ્રગ્સના મુખ્ય પેડલરોનું સુરક્ષિત આશ્રયસ્થાન પણ બની ચૂક્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અહીંથી જ નશાનું નેટવર્ક આખા શહેરમાં ફેલાવવામાં આવતું હતું.
છેલ્લા 10 વર્ષના ચોંકાવનારા આંકડા પર એક નજર
છેલ્લા એક દાયકા એટલે કે 10 વર્ષના ગુનાહિત આંકડાઓ પર નજર કરીએ તો આ વિસ્તારમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઊંચો રહ્યો છે. પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો મુજબ, છેલ્લા 10 વર્ષમાં અહીં દારૂના 276 જેટલા કેસો અને જુગાર (ઘોડી-પાસ) ના 6૫ કેસો નોંધાયા છે. આટલું જ નહીં, આ વિસ્તારની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અહીં અત્યાર સુધીમાં હત્યાના 4 અને હત્યાની કોશિશના 3 ગંભીર બનાવો બની ચૂક્યા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે તપાસ દરમિયાન આ વિસ્તારમાંથી 61 જેટલા ગેરકાયદેસર હથિયારો પણ મળી આવ્યા છે, જે સાબિત કરે છે કે જંગલેશ્વર વિસ્તાર ગુનાહિત તત્વો માટે માત્ર રહેઠાણ નહીં પણ હથિયારો અને નશાના કારોબારનું મુખ્ય કેન્દ્ર બની ગયું હતું.
મૂર્ઘા ગેંગ પર સકંજો, ‘ગુજસીટોક’ હેઠળ કડક કાર્યવાહી
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આ વિસ્તારમાં સક્રિય કુખ્યાત મૂર્ઘા ગેંગ પર સકંજો કસ્યો છે. ગેંગના 21 શખ્સો સામે ગુજસીટોક (GUJCTOC) હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ગેંગ સામે છેલ્લા 10 વર્ષમાં દારૂ-જુગાર સિવાયના 36 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તંત્ર દ્વારા છેલ્લા 8 વર્ષમાં આ વિસ્તારના ૫8 રીઢા ગુનેગારો સામે પાસા (PASA) હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે.


