Morbi : દાદા ભગવાનની જન્મજયંતિની ભવ્ય ઉજવણી! આધ્યાત્મિક મહોત્સવમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિ
- દાદા ભગવાન જન્મજયંતિની Morbi માં ભવ્ય ઉજવણી
- દાદા ભગવાન મહોત્સવ નિમિત્તે વિશેષ ઉજવણીનું આયોજન
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા
- દાદા ભગવાન જન્મજયંતિ આયોજિત સત્સંગ હોલમાં પહોંચ્યા
- સત્સંગ હોલમાં દાદા ભગવાનના દર્શન અને પૂજન કર્યું
Morbi : મોરબી જિલ્લામાં આ વર્ષે દાદા ભગવાનની 118મી જન્મજયંતિની ઉજવણી ભવ્ય રીતે શરૂ થઈ છે. આધ્યાત્મિકતા, શાંતિ અને માનવમૂલ્યોના સંદેશ સાથે આ સપ્તાહભરનો મહોત્સવ સમગ્ર જિલ્લામાં ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ સર્જી રહ્યો છે. રવાપર-ઘુનડા રોડ પર 32 લાખ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમા આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં દાદા ભગવાનના ઉપદેશો અને જીવનદર્શનને સમર્પિત અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
CM ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિ
જણાવી દઇએ કે, Morbi માં દાદા ભગવાન મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા. તેમણે સત્સંગ હોલ ખાતે પહોંચી દાદા ભગવાનના દર્શન અને પૂજન કર્યા. બાદમાં તેમણે આરતીમાં ભાગ લીધો. ગત 3 નવેમ્બરથી શરૂ થયેલી આ ઉજવણી 9 નવેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન રોજ સાંજે વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમો, સત્સંગો અને પ્રવચનો યોજાઈ રહ્યા છે. પ્રથમ દિવસે દીપકભાઈ દેસાઈનું પ્રવચન યોજાયું હતું, જેમાં હજારો ભક્તોએ હાજરી આપી હતી.
“જોવા જેવી દુનિયા” થીમ સાથે Morbi માં કાર્યક્રમોનું આયોજન
આ મહોત્સવને ખાસ બનાવવા માટે “જોવા જેવી દુનિયા” નામની અનોખી થીમ રાખવામાં આવી છે. આ અંતર્ગત લાઇવ પ્રોગ્રામો, આધ્યાત્મિક પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને દાદા ભગવાનના જીવનદર્શનને સમર્પિત ઝાંખીઓ રજૂ કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમો દ્વારા ભક્તો દાદા ભગવાનના જીવન, તેમનાં ઉપદેશો અને માનવજાતિ માટેના સંદેશને વધુ નજીકથી અનુભવી શકે છે. સ્થળ પર આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું છે, જ્યાં દરેક વયના લોકો માટે ધ્યાન, જ્ઞાન અને સંતુલિત જીવનના પાઠ રજૂ થઈ રહ્યા છે. હજારો ભક્તો દરરોજ સ્થળ પર આવી રહ્યાં છે અને અહીં મળી રહેલા ઉપદેશોથી પ્રેરણા મેળવી રહ્યા છે.