Gondal માર્કેટિંગ યાર્ડમાં ધાણાની 2 લાખથી વધુ ગુણીની આવક, જાણો કેટલા બોલાયા ભાવ?
- ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની નોંધપાત્ર આવક થઈ
- 2 લાખથી વધુ ગુણીની આવકથી યાર્ડ ઉભરાયું હતું
- 20 કિલો ધાણાનાં ભાવ રૂ. 900 થી 2150 સુધી બોલાયા હતા
સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ તથા ખેડૂતોનું આસ્થાનું કેન્દ્ર ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ધાણાની મબલખ આવક નોંધાઈ હતી અને હોળીનાં પર્વનાં બે દિવસ પહેલા ગોંડલ યાર્ડ ધાણાની આવકથી ઊભરાયું હતું. યાર્ડનાં સત્તાધીશો દ્વારા ધાણાની આવકની જાહેરાત કરતા યાર્ડ બહાર ગઈકાલ સવારથી જ અંદાજે 2500 થી વધુ વાહનોની 9 થી 10 કિ.મી. લાંબી લાઈનો લાગી જવા પામી હતી અને અંદાજે 2 લાખથી વધુ ગુણી ધાણાની આવક થવા પામી હતી.
આ પણ વાંચો - Kheda : 'જય રણછોડ, માખણ ચોર'ના નાદ સાથે મહેમદાવાદથી ડાકોરનો માર્ગ પદયાત્રીઓથી છલકાયો
સિઝનની સૌથી વધુ આવક જોવા મળી
માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ જણાવ્યું હતું કે, ગોંડલ માર્કેટિંગ યાર્ડ એ ધાણાનું હબ ગણવામાં આવે છે. ત્યારે, ગોંડકલ માર્કેટિંગ યાર્ડમાં આજે સિઝનની સૌથી મોટી અંદાજે 2 લાખથી પણ વધુ ગુણી ધાણાની આવક થવા પામી છે. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ યાર્ડમાં આવે છે, જેનું કારણ એ છે કે ભારત દેશની કોઈ એવી મસાલા કંપની નથી જે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખરીદીમાં ન આવતી હોય, જેની સામે ખેડૂતોને ભાવ સારા મળતા હોય છે. હરરાજીમાં ખેડૂતોને ધાણા 20 કિલોનાં ભાવ રૂપિયા 900 થી 2150/- સુધીના બોલાયા હતા. તેમ જ ધાણીનાં ભાવ રૂપિયા 1000 થી 3000 સુધીનાં બોલાયા હતા. યાર્ડમાં ધાણાની મબલખ આવક થતાં યાર્ડમાં જગ્યા ટૂંકી પડી હતી અને યાર્ડનાં વેપારીઓનાં દુકાન બહાર ધાણાની ગુણીઓ ઉતારવાની ફરજ પડી હતી. વિશ્વની ટોપ કંપનીઓ અહીં જ્યારે ધાણાની ખરીદી કરવા આવે એ પણ ખેડૂતોને સારા ભાવ આપીને જાય તે માટે ખાસ ખેડૂત મિત્રોને અપીલ છે કે ધાણી સૂકવીને લઈને આવવી, જેથી ખેડૂતોએ મહામહેનતે પકવેલ ધાણાનો સારો ભાવ મળે.
આ પણ વાંચો - Ahmedabad : ખારીકટ કેનાલ રિ-ડેવલપમેન્ટ ફેઝ-2 ની કામગીરી માટે 1003 કરોડની દરખાસ્તને મંજૂરી
સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો જણસી વેચવા અહીં આવે છે
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસીની સિઝન પ્રમાણે વિપુલ પ્રમાણમાં આવક થતી હોય છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જેમ કે જામનગર, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, મોરબી, ભાવનગર, અમરેલી સહિતનાં જિલ્લાઓમાંથી ખેડૂતો ધાણા વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે. યાર્ડનાં સત્તાધીશો દ્વારા ધાણાની આવકને લઈને અન્ય કોઈ જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ધાણાની આવક સદંતર બંધ કરવામાં આવી છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Rajkot : ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો!