Pangolins: રાજકોટમાં દુર્લભ પેંગોલિનનું રૂ.22 કરોડમાં ગેરકાયદેસર વેચાણ કરતી ગેંગ ઝડપાઇ
- Pangolins: ગીરના જંગલમાંથી પેંગોલિનની તસ્કરી કરી
- પ્રાણી દુર્લભ હોવાથી લાખો રૂપિયામાં સોદો કરે તે પહેલા પકડાયા
- એસ.ઓ.જીએ ઓપરેશન પાર પાડી આખી ટોળકીને ઝડપી
Pangolins: રાજકોટમાં દુર્લભ પેંગોલિનનું રૂપિયા 22 કરોડમાં ગેરકાયદેસર વેચાણ કરતી ટોળકી ઝડપાઇ છે. ગીરના જંગલમાંથી પેંગોલિનની તસ્કરી કરીને મોટા શહેરોમાં વેચાણ કરતા હતા. શેડયૂલ-1 માં આવતું પ્રાણી દુર્લભ હોવાથી લાખો રૂપિયામાં સોદો કરે તે પહેલા પકડાઈ ગયા છે. જેમાં રાજકોટ એસ.ઓ.જીએ ઓપરેશન પાર પાડી આખી ટોળકીને ઝડપી લીધી છે.
પોલીસ દ્વારા આરોપીઓને વનવિભાગને સોંપવામાં આવ્યા
પોલીસ દ્વારા આરોપીઓને વનવિભાગને સોંપવામાં આવ્યા છે. તથા દુર્લભ ગણાતા પેંગોલિનને પણ વન વિભાગને સોંપવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કેટલા પેંગોલિનનું વેચાણ કર્યું, કેટલા રૂપિયામાં વેચાણ કર્યું આ બાબતે વનવિભાગ દ્વારા આરોપીઓની પૂછપરછ કરાઇ છે. તેમજ એસ.ઓ.જીએ બીજલ ઉર્ફે વિજય સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. પેંગોલિનનું વેચાણ અટકાવી રેસ્ક્યૂ કરવાનું રાજ્યનું આ પહેલું સંયુક્ત ઓપરેશન સાબિત થયું છે. વન્ય પ્રાણીઓની ગેરકાયદે હેરાફેરી ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો છે આ કારણે વન્ય પ્રાણીઓના જીવ તો જોખમાય છે સાથે જ કુદરતની વ્યવસ્થા ખોરવાય છે.
Pangolins: રાજકોટ આવેલા શંકાસ્પદ શખ્સની રેકી કરી
રાજકોટ આવેલા શંકાસ્પદ શખ્સની રેકી કરી તેની અટકાયત કરતાં જ તેની પાસે રહેલા મોબાઈલમાં અતિ દુર્લભ એવા પેંગોલિનના વીડિયો અને તેના વેચાણ અંગેના મેસેજ મળી આવ્યા હતા. આ શખ્સની અટકાયત કરી હતી. ઘાંટવડના સીમાડે ફોરેસ્ટ એરિયાની કાંઠે આવેલી વાડીમાં પહોંચીને ત્યાંથી પેંગોલિનને રેસ્ક્યૂ કરી આ પ્રાણીને 22 કરોડમાં વેચવાની ફિરાકમાં રહેલા બિજલ ઉર્ફે વિજય જીવા સોલંકી અને લીપ વિહા મકવાણાને ઝડપી લીધા હતા. આરોપીઓ તેમજ પેંગોલિન અંગે ફોરેસ્ટ વિભાગને જાણ કરી જામવાળા રેંજ કચેરીએ આરએફઓ બી. બી. વાળા તેમજ એસીએફ ચિરાગ ચાંદગુડેને આરોપીઓ અને પેંગોલિન સોંપાયા હતા. આરએફઓએ ફર્સ્ટ ઓફેન્સ રિપોર્ટ નોંધી આરોપીઓને કોર્ટમાં લઈ જતા કોર્ટે બંને શખ્સના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેમાં વધુ નામ ખૂલે તેવી શક્યતા છે.
પોલીસે મોબાઈલની ચકાસણી કરી હતી
પોલીસે મોબાઈલની ચકાસણી કરી હતી તેમજ અલગ અલગ મેસેજ ચકાસી બિજલને પૂછતા તેણે 22 કરોડ રૂપિયા આ પ્રાણી વેચવા મૂક્યું હોવાનું બહાર આવ્યું હતું. સ્થળ પરથી દિલીપ અને પેંગોલિન મળી આવ્યા બાદ પોલીસે દિલીપને પૂછતા તેને આ પેંગોલિન વાડીએથી મળી આવતા બિજલને વેચવા કહ્યું હતું પણ ભાવ નક્કી કર્યો ન હતો. બાદમાં ખબર પડી કે બિજલે બજારમાં 22 કરોડનો ભાવ મૂક્યો હતો પણ દિલીપને તો 25 લાખ જ કહ્યા હતા! પેંગોલિન બખ્તર કીડીખાઉ તરીકે જાણીતું છે તેના શરીર પર એકદમ મજબૂત ભીંગડા હોય છે. જ્યારે તેને ભય લાગે ત્યારે તે શરીરને સંકોચી લે છે જેથી બખ્તર જેવું બની જાય છે તેને કોઇ હિંસક પ્રાણીના દાંત કે નખ વેધી શકતા નથી.
ગેરમાન્યતાને કારણે અનેક પેંગોલિનનો ભોગ લેવાયો છે
હાલ વિશ્વમાં સૌથી વધુ ગેરકાયદે વેચાતું એટલે કે ટ્રાફિકિંગ થતું પ્રાણી પેંગોલિન છે જેનું મોટું કારણ ચાઈના છે. ત્યાં એવી ગેરમાન્યતા છે કે પેંગોલિનના ભીંગડામાંથી બનતી દવા આજીવન યૌવન બક્ષે છે. આ બાબત જરા પણ સાચી નથી છતાં ચાઈના તેમજ હોંગકોંગમાં આવી ગેરમાન્યતાને કારણે અનેક પેંગોલિનનો ભોગ લેવાયો છે.
આ પણ વાંચો: Surendranagar: વઢવાણના ગોમટા ગામે અંદાજિત 60થી વધુ લોકોને ફુડ પોઈઝનિંગ