Rajkot : રાજગઢ-ખાંડાધાર રોડ પર ગોઝારો અકસ્માત, બે યુવાનના કમકમાટીભર્યા મોત
- Rajkot જિલ્લાના કોટડા-સાંગાણી તાલુકાનામાં ગમખ્વાર અકસ્માત
- રાજગઢ-ખાંડાધાર રોડ પર બે બાઇક વચ્ચે ભયાનક અકસ્માત
- અકસ્માતમાં બે યુવાનના ઘટનાસ્થળે જ મોત, એક ગંભીર રીતે ઘાયલ
- કોટડા-સાંગાણી પોલીસની ટીમે કાર્યવાહી હાથ ધરી
રાજકોટ જિલ્લાના (Rajkot) કોટડા-સાંગાણી તાલુકાના રાજગઢ-ખાંડાધાર રોડ (Rajgadh-Khandadhar road) પર બે બાઇક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે યુવાનના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય એક યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવને પગલે મૃતકોનાં પરિવારમાં અને મિત્ર વર્તુળમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ દુર્ઘટનામાં રામોદ ગામનાં રહેવાસી રોહિત દીપકભાઈ રાઠોડ (ઉ.વ. 24) અને રાજકોટનાં વતની (મૂળ રામપરા-નવાગામ) કરણભાઈ કમલેશભાઈ દીવેચા (ઉ.વ. 28)નું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો -Ahmedabad : યુવકની હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ, કોર્ટે કહ્યું- દુર્જનને દંડ નહીં આપી શકતા કાયદાનું..!
બે બાઇક સામસામે અથડાતા બેનાં ઘટના સ્થળે મોત
માહિતી અનુસાર, મૃતક યુવક રોહિત રાઠોડ શક્તિમાન કંપનીમાં નોકરી કરતો હતો અને ફરજ પૂરી કરી તેના સાથી કર્મચારી કિશન રસિકભાઈ પડાળીયા (ઉ.વ. 23) સાથે બાઈક પર પોતાના ગામ રામોદ પરત ફરી રહ્યો હતો. તે સમયે સામેથી આવી રહેલા કરણભાઈ દીવેચાના બાઈક સાથે તેની બાઈકની જોરદાર ટક્કર થઈ હતી. કરણભાઈ પોતાની દીકરી અને બહેનને રામપરા નવાગામ મૂકીને રાજકોટ પરત જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા કિશન પડાળીયાને તાત્કાલિક સારવાર માટે પ્રથમ ગોંડલની સિવિલ હોસ્પિટલ (Gondal Civil Hospital) અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટની (Rajkot) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ પણ વાંચો -Gram Panchayat Election : મતદાન પહેલા અરવલ્લી-ભાવનગર જિલ્લામાં આ ગ્રા. પં. સમરસ બની
પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
મૃતક કરણભાઈ દીવેચા પરિણીત હતા અને તેમને સંતાનમાં એક દીકરી છે. તેઓ છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જ્યારે, રોહિત રાઠોડ છેલ્લા એક વર્ષથી શક્તિમાન કંપનીમાં ફરજ બજાવતો હતો અને પરિવારમાં માતા, બે ભાઈઓ અને એક બહેનમાં સૌથી નાનો હતો. ઘટનાની જાણ થતાં જ કોટડા-સાંગાણી પોલીસની (Kotda-Sangani Police) ટીમ તાત્કાલિક ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ દુઃખદ સમાચાર મળતાની સાથે જ મૃતકોનાં સગા-સંબંધીઓ અને મિત્રો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા અને વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ