Rajkot: રખડતા ઢોર બાદ હવે શ્વાનનો આતંક, બાળકને એટલા બચકા ભર્યો કે મોત થયુ
- જામકંડોરણા ગામના ઇન્દિરા નગર વિસ્તારમાં ઘટના બની
- શ્વાનના ટોળાએ આ ત્રણ ભાઈઓ પર હુમલો કર્યો હતો
- શ્વાનના ટોળાએ બાળકો પર હુમલો કરતા બે બાળકો નાસી ગયા
Rajkot: રખડતા ઢોર બાદ હવે રખડતા શ્વાન (DOG)નો આતંક સામે આવ્યો છે. જેમાં રાજકોટ જિલ્લાના જામકંડોરણા ગામના ઇન્દિરા નગર વિસ્તારમાં રહેતા ત્રણ બાળકો ઘરની પાસે જ આવેલ ખુલ્લા મેદાનમાં કુદરતી હાજતે ગયેલ ત્યારે ત્યાં શ્વાનોના ટોળાએ બાળકો પર હુમલો કરતા બે બાળકો નાસી ગયા હતા. જ્યારે એક બાળક શ્વાનની (DOG) ઝપટે ચડી જતા બાળકને શ્વાને એટલા બચકા ભર્યા કે બાળકને સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત નીપજ્યું હતું.
શ્વાનના ટોળાએ આ ત્રણ ભાઈઓ પર હુમલો કર્યો
જામકંડોરણા ગામના ઇન્દિરા નગર વિસ્તારમાં શ્રમજીવીઓની વસાહત આવેલ છે. આ વસાહતમાં શ્રમજીવીઓ ઝુંપડા બાંધીને પરીવાર સાથે રહે છે. જેમાં ગતરોજ રામજીભાઈ રાઠોડ નામના શ્રમજીવીના ત્રણ પુત્રો યુવરાજ, રાજ અને રવિ ત્યાં બાજુમાં જ આવેલ ખુલ્લા મેદાનમાં કુદરતી હાજતે ગયેલ હતાં. ત્યારે આ ખુલ્લા પ્લોટમાં મૃત પશુઓની ખાલ ઉતારવાનો વ્યવસાય થતો હોવાથી અહીં 50થી 60 જેટલા શ્વાનો (DOG)પણ રહે છે. આ શ્વાનોમાંથી પાંચથી છ જેટલા શ્વાનના ટોળાએ આ ત્રણ ભાઈઓ પર હુમલો કર્યો. જેમાં યુવરાજ અને રાજ બંને ભાઈઓ ભાગવામાં સફળ થઈ ગયા જ્યારે રવિ શ્વાનના ટોળાની ઝપટે ચડી જતા રવીને શ્વાવાનોએ ચારે બાજુથી બચકા ભરવા લાગ્યા અને લોહીલુહાણ કરી દીધો હતો. શ્વાવાનના હુમલાથી ભાગેલ બે ભાઈઓ ઘરે પહોંચી ઘરે વાત કરતા પરિવારજનો રવીને બચાવવા સ્થળ પર પહોચતા જોયુ કે શ્વાન રવીને બચકા ભરી રહ્યા હતા અને રવિ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. પરિવારજનોએ રવીને શ્વાનો પાસેથી ખેંચી લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જતા ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો: Gujarat: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ 3 દિવસ સૌરાષ્ટ્ર પ્રવાસે, જાણો કયા જિલ્લાઓની મુલાકાત લેશે
અમારા વિસ્તાર પાસે મૃત પશુઓની ખાલ ઉતારવાનો વ્યવસાય ચાલુ છે
શ્વાનના હુમલા અંગે મૃતક રવીના પિતા સહિત સ્થાનિકોએ આક્ષેપ કરેલ કે અમારા વિસ્તાર પાસે મૃત પશુઓની ખાલ ઉતારવાનો વ્યવસાય ચાલુ હોય તેને કારણે અહીં 50 થી 60 જેટલા શ્વાનો રહે છે અને શ્વાનોના (DOG) ત્રાસ વિશે વારંવાર રજૂઆત કરી છે. તેમજ મૃત પશુની ખાલનો વ્યવસાય અન્ય જગ્યાએ ખસેડવા અમે તંત્રને રજુઆત કરેલ છે પરંતુ તંત્રએ કંઈ ધ્યાન ન આપ્યું જેને કારણે મારે પુત્ર ગુમાવવાનો વારો આવ્યો છે. શ્વાનના હુમલાના અનેક બનાવો સામે આવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા રખડતા શ્વાનને ખસીકરણ અથવા શ્વાન પકડવા જરૂરી છે, જેથી કરીને લોકોને શ્વાનના ત્રાસમાંથી મુક્તિ મળે પરંતુ તંત્ર કોઈ કામગીરી ન કરતું હોવાથી લોકો શ્વાનનો (DOG) ભોગ બની રહી રહ્યા છે તેવું સ્થાનિકોએ જણાવ્યું છે.
આ પણ વાંચો: Gujarat: બાથરૂમમાં ગીઝર ઉપયોગ કરતા લોકો માટે લાલબત્તી સમાન ઘટના