Rajkot: વીજ તારમાં ફસાયેલ પતંગ લેવા જતા બાળક ભડથું થયો
- વીજ તારમાં અટકાયેલ પતંગ ન લેવા માટે બાળકો સમજાવવા જરૂરી
- 11 કેવી વીજ વાયર પર પડતાં બાળકનું મોત થઇ ગયુ
- બાળકના મૃત્યુથી પરિવાર શોક ગરકાવ થઈ ગયો
Rajkot: શહેરમાં પોતાનું ગુજરાન ચલાવવા આવેલ પશ્ચિમ બંગાળના અલીપુર વિસ્તારના વતની અને છેલ્લા કેટલાય સમયથી પરિવાર સાથે શાપર વેરાવળ ખાતે રહેતા 11 વર્ષીય પુષ્પ વીર શર્મા નામના બાળકનું વીજ શોર્ટના કારણે બુધવારના રોજ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે BNS ની કલમ 194 મુજબ અકસ્માત મોત ફરિયાદ નોંધવામાં આવી છે.
બનાવ સંદર્ભે 108ને ફોન કરતા 108ની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ
રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના સૂત્રો જણાવ્યા અનુસાર બુધવારના રોજ મસ્કત ફાટક પાસે આવેલા જે.કે.પેકેજીંગ નામના યુનિટ પાસે પુષ્પ વીર શર્મા નામનો બાળક વીજ તારમાં ફસાયેલી પતંગ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. જે દરમિયાન તે અગાસી ઉપરથી સબ સ્ટેશન પર ખાબકતા તેનું વીજ શોર્ટ લાગવાના કારણે મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. બનાવ સંદર્ભે 108ને ફોન કરતા 108ની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બાળકને બેભાન હાલતમાં તપાસતા તેને મરણ ગયેલ જાહેર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે ઉતરાયણના તહેવારના આડે હવે બસ ગણતરીના દિવસો બાકી બચ્યા છે. ત્યારે ઉતરાયણના તહેવાર પૂર્વે શાપર વેરાવળ ખાતે દુર્ભાગ્ય પૂર્ણ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.પરિવાર શોક ગરકાવ થઈ ગયો છે.
ઉતરાયણમાં દરેક જણે વીજ ઉપકરણોથી તકેદારી રાખવી
ઉત્તરાયણના તહેવારમાં નજીવી કિંમતની પતંગ માટે બાળકો તથા જવાનિયાઓ પણ દોડધામ કરે છે. સાથોસાથ વીજળીના તાર પર લટકેલા પતંગ પણ ઉતારવાનું જોખમ લે છે. ઉતરાયણમાં દરેક જણે વીજ ઉપકરણોથી કેવી તકેદારી રાખવી જોઈએ તે અંગે વીજળી વિભાગ દ્વારા જરૂરી સૂચનો જણાવ્યા છે. આ સૂચનોનું પાલન કરીને મોટા અકસ્માતોનો ભય ટાળીને લોકોની અમૂલ્ય જિંદગી બચાવી શકાય છે.
વીજળીના વાયર કે તાર ઉપર પડેલ પતંગ લેવા લંગર નાખશો નહીં
જાહેર જનતાને ઉત્તરાયણનું પર્વ ઉત્સાહ અને વીજ સલામતી પૂર્વક ઉજવવા તથા વીજ અકસ્માત નિવારવા માટે પતંગ ચગાવતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતોની ખાસ કાળજી રાખવા અનુરોધ કરાયો છે. પતંગ કે દોરી વીજળીના થાંભલા કે તારમાં ફસાઈ જાય તેને લેવા માટે થાંભલા પર ચઢશો નહીં. વીજળીના તાર કે કેબલને અડકશો નહીં. વીજળીના વાયર કે તાર ઉપર પડેલ પતંગ લેવા લંગર નાખશો નહીં. તેમ કરવાથી વીજળીના તાર ભેગા થતાં મોટા ભડાકા થવાની, તાર તૂટી જવાની, અકસ્માત થવાની તેમજ વીજ વપરાશના સાધનો (ઉપકરણો) બળી જવાની સંભાવના રહે છે.
અહેવાલ: રહિમ લાખાણી, રાજકોટ
આ પણ વાંચો: Amreli: લેટર કાંડ પીડિતા પાયલ ગોટીના ન્યાયનો મામલો બિચક્યો, પરેશ ધાનાણી ઉપવાસ કરશે