Rajkot news: આગામી સમયમાં રાજકોટ જિલ્લામાં યોજાનાર ગણેશ ઉત્સવને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉત્સવ સમિતિઓ અને મૂર્તિકારો માટે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાવરણની રક્ષા તેમજ સુરક્ષાના ભાગરૂપે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.એચ. બારોટ દ્વારા એક મહત્વપૂર્ણ અને કડક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે આગામી તા. 30 ઓગસ્ટથી તા. 26 સપ્ટેમ્બર સુધી સમગ્ર રાજકોટ જિલ્લામાં લાગુ રહેશે.
મૂર્તિઓની ઊંચાઈ અને સામગ્રી પર વિશેષ પ્રતિબંધ
જાહેરનામાની વિગતો મુજબ, ગણેશ ઉત્સવ દરમિયાન પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) થી બનેલી ગણેશજીની પ્રતિમાઓ બનાવવા, વેચાણ કરવા કે તેની સ્થાપના કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, પર્યાવરણને અનુકૂળ માટીની મૂર્તિઓની ઊંચાઈ પણ મર્યાદિત રાખવામાં આવી છે, જેના અનુસાર બેઠક સહિત ૯ ફૂટ કરતા વધુ ઊંચાઈની મૂર્તિઓ તૈયાર કરવી, તેનું સ્થાપન કરવું કે જાહેર રસ્તાઓ પર પરિવહન કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. મૂર્તિકારોને પણ સૂચના અપાઈ છે કે તેઓ પ્રતિમાઓ બનાવતી વખતે પાણીમાં સરળતાથી ન ઓગળે તેવા હાનિકારક અને ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરી શકશે નહીં. સાથે જ, કોઈ પણ સંપ્રદાય કે ધર્મની લાગણીઓને ઠેસ પહોંચે તેવા પ્રતીકો કે ચિહ્નોવાળી મૂર્તિઓના નિર્માણ અને વેચાણ પર પણ પ્રતિબંધ છે.
વિસર્જન અને સુરક્ષાને લઈને કડક નિયમો
તંત્ર દ્વારા વિસર્જન પ્રક્રિયા માટે પણ ચોક્કસ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. માત્ર અધિકૃત અને નિર્ધારિત કરેલા વિસર્જન સ્થળો તેમજ અગાઉ મંજૂરી મેળવેલી જગ્યાઓ પર જ મૂર્તિ વિસર્જન કરી શકાશે. અન્યથા કોઈપણ દરિયા, નદી, તળાવ કે કુદરતી જળસ્રોતોમાં મૂર્તિ વિસર્જન કરવા પર સખત પ્રતિબંધ રહેશે. બીજી બાજુ, ગણેશ મહોત્સવના પંડાલોમાં સુરક્ષા વ્યવસ્થાને પ્રાધાન્ય આપતા આયોજકો માટે પંડાલની અંદર સીસીટીવી (CCTV) કેમેરા અને અગ્નિશામક યંત્ર વસાવવા અનિવાર્ય કરવામાં આવ્યા છે. ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણમાં રહે તે માટે ડીજે (DJ) કે લાઉડસ્પીકર સિસ્ટમ પણ નિર્ધારિત મર્યાદામાં જ વગાડી શકાશે.
આ પણ વાંચો: MLA Chaitar Vasava case: શું ચૈતર વસાવાને મળશે રાહત? જામીન બાબતે હાઈકોર્ટમાં સુનાવણી શરૂ