Saurashtra News: સૌરાષ્ટ્રના બે મોટા શહેરો રાજકોટ અને જામનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ અને આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય સાથેડા કરતા તત્વો સામે અત્યાર સુધીની સૌથી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ-જામનગરમાં ફૂડ વિભાગના દરોડા!
રાજકોટમાં RMC દ્વારા વિવિધ વિસ્તારોમાં આવેલી 41 પેઢીઓ પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે જામનગરમાં મહાનગરપાલિકાની ટીમે 38 હોટેલ, રેસ્ટોરન્ટ અને ફૂડ વેરિફિકેશન ડ્રાઇવ યોજી હતી. આ મેગા ઓપરેશન દરમિયાન બંને શહેરોમાંથી મોટી માત્રામાં વાસી, એક્સપાયરી ડેટવાળો અને બિનઆરોગ્યપ્રદ જથ્થો પકડીને તેનો નાશ કરવામાં આવ્યો છે.
રાજકોટમાં 'જય હિન્દ મદ્રાસ કાફે' સીલ, 13 પેઢીઓને ફટકારાઈ નોટિસ
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટમાં આરોગ્ય વિભાગે 41 પેઢીઓ તપાસીને 32 કિલો અખાદ્ય જથ્થો અને 120 લીટર કોલ્ડ્રિંક્સના જથ્થાનો સ્થળ પર નાશ કર્યો હતો. ગંદકી, લાયસન્સના અભાવ અને અખાદ્ય ચીજવસ્તુઓ રાખવા બદલ કુલ 13 પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી હતી, તેમજ નિયમોનો ભંગ કરનાર 'જય હિન્દ મદ્રાસ કાફે'ને સીલ કરી દેવામાં આવ્યું હતું અને રૂ. 24,000નો વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો.
જામનગરમાં 171 કિલો વાસી અને બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો સ્થળ પર નાશ
જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગે પણ શહેરભરમાં દોડધામ મચાવી હતી. 38 જેટલી ખાણીપીણીની પેઢીઓમાં તપાસ કરતા 171 કિલો વાસી અને બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો, 17 પેકેટ એક્સપાયરી ડેટવાળા ઉત્પાદનો અને 53 કિલો પ્રિ-મિક્સ પેસ્ટનો સ્થળ પર નાશ કરાયો હતો. આ ઉપરાંત, અનહાઇજિનિક હાલતમાં ચાલતી પેઢીઓમાંથી 15 કિલો ખાદ્યપદાર્થોનો નાશ કરીને મરચું પાવડર અને ધાણાજીરું પાવડર સહિતના કુલ 8 નમૂનાઓ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. બિનલાયસન્સ મટન વેચતી પેઢીઓ સામે પણ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Ahmedabad News: દરિયાપુરમાં 'D કંપની' સ્ટાઇલ જુગારધામ કેસ, ઝડપાયેલા 187 આરોપીઓને 5 બસમાં ભરીને મેટ્રો કોર્ટમાં લઈ જવાયા