Rajkot Jangleshwar demolition bill controversy: રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલેશનમાં લાખો રૂપિયાના કથિત ભ્રષ્ટાચારનો મામલો વધુ ગરમાયો છે. આ મામલે મનપાના મેયર નેહલ શુક્લા અને મ્યુનિસિપલ કમિશનરની બેવડી નીતિ સામે શહેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તંત્રના ઉચ્ચ અધિકારીઓના નિવેદનોમાં રહેલી વિસંગતતા તેમની કાર્યક્ષમતા અને પ્રામાણિકતા પર અનેક સવાલો ઉભા કરે છે.
Jangleshwar ડિમોલેશનમાં મનપા મેયર અને કમિશ્નર નું બેવડું વલણ
થોડા દિવસો પહેલા જ યોજાયેલી પત્રકાર પરિષદમાં તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે જે બિલની ચુકવણી થઈ ગઈ છે, તે રકમ વસૂલ કરવામાં આવશે. જોકે, ટૂંકા ગાળામાં જ પોતાનું સ્ટેન્ડ બદલીને તંત્રએ પલટી મારી દીધી છે અને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે જે બિલ ચૂકવાઈ ગયા છે તેમાં હવે કંઈ કરી શકાય તેમ નથી. આ યુ-ટર્નથી સ્પષ્ટ થાય છે કે ભ્રષ્ટાચાર પર પડદો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
મેયરની ભૂમિકા શંકાના દાયરામાં
મેયર નેહલ શુક્લા જેઓ અત્યારે 'દબંગ' બનીને કોઈને છોડવામાં નહીં આવે તેવી વાતો કરી રહ્યા છે, તેઓ જ્યારે આ રેટ કોન્ટ્રાક્ટ થયો ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય હતા. પ્રશ્ન એ થાય છે કે શું ત્યારે તેમને જાણ નહોતી કે 2 રૂપિયાની પાણીની બોટલના 8 રૂપિયા લેખે બિલ ચૂકવાઈ રહ્યા છે? શું આટલો મોટો તફાવત તેમની નજર સામે નહોતો?
27 લાખના બિલ અટકાવ્યા, પણ જવાબદારી કોની?
તંત્રએ 27 લાખ રૂપિયાના બિલ અટકાવ્યા છે, જે વાત પોતે જ સાબિત કરે છે કે કામમાં અનિયમિતતા કે ભ્રષ્ટાચાર થયો છે. જો ભ્રષ્ટાચાર થયો છે તો પછી અત્યાર સુધી કોઈ જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર સામે ફોજદારી કે વહીવટી પગલાં કેમ લેવામાં નથી આવ્યા? માત્ર બિલ અટકાવીને સંતોષ માની લેતું તંત્ર જનતાના પરસેવાની કમાણીના નાણાંનો વ્યય કરી રહ્યું છે. રાજકોટના લોકો હવે આ બાબતે કડક તપાસ અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: Ambalal Patel Rain Forecast: અમદાવાદ-ગાંધીનગરમાં આગામી 48 કલાકમાં થશે મેઘરાજાની એન્ટ્રી, અંબાલાલ પટેલની નવી આગાહી