દારૂ ભરેલી કાર રોકતા બુટલેગર ભાગ્યો
પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે જેતપુર વિસ્તારમાં દેશી દારૂની ખેપ પહોંચાડવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દારૂ ભરેલી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. કાર અટકતાં જ બુટલેગર દિલીપ શેખવા વાહન છોડીને ભાગવા લાગ્યો હતો. પોલીસ ટીમે તરત જ તેનો પીછો શરૂ કર્યો હતો.
હેડ કોન્સ્ટેબલ પર છરીથી હુમલો
પીછો દરમિયાન આરોપી દિલીપ શેખવાએ બચવા માટે પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરી હતી. આ દરમિયાન તેણે હેડ કોન્સ્ટેબલ પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં હેડ કોન્સ્ટેબલના જમણા હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત પોલીસકર્મીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આરોપી પણ ઈજાગ્રસ્ત બન્યો
પોલીસથી બચવા દરમિયાન દિલીપ શેખવાની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં દિલીપ શેખવા પણ ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ પોલીસે તેને કાબૂમાં લઈ સારવાર હેઠળ રાખ્યો હતો.
કારમાંથી 200 લીટર દેશી દારૂ જપ્ત
પોલીસે આરોપીની કારની તપાસ કરતાં અંદરથી અંદાજે 200 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. ઉપરાંત ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી છરી અને એક મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલ મુદ્દામાલના આધારે પોલીસે દારૂ સપ્લાય ચેઇનની પણ તપાસ શરૂ કરી છે.
ત્રણ લોકો સામે ગુનો નોંધાયો
આ સમગ્ર મામલે પોલીસે હુમલો કરનાર દિલીપ શેખવા સામે ગુનો દાખલ કર્યો છે. સાથે જ દારૂ મોકલનાર કાના રબારી અને દારૂ મંગાવનાર જેતપુરની રેખાબેન વેગડા સામે પણ પ્રોહિબિશન અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
રેન્જ IGએ ઈજાગ્રસ્ત પોલીસકર્મીની મુલાકાત લીધી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેન્જ IG નિર્લિપ્ત રાયે હોસ્પિટલ પહોંચીને ઈજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલની મુલાકાત લીધી હતી. તેમણે સારવાર અંગે માહિતી મેળવી અને પોલીસકર્મીઓના મનોબળને વધાર્યું હતું.
આ પણ વાંચોઃ Rajkot Accident: રાજકોટમાં રિક્ષાએ એક્ટિવાને મારી ટક્કર, તાલીમી પોલીસકર્મી કેયુર રામાણીનું મોત