Rajkot Jungleshwar Demolition News: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કરવામાં આવેલા ડિમોલેશનની કામગીરી દરમિયાન થયેલા વિડિયોગ્રાફીના બિલમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. એક દિવસના માત્ર રૂ. 2,000ના વેતન પર કામ કરનાર વિડિયોગ્રાફરે જ આ કૌભાંડનો પર્દાફાશ કરતા તંત્રમાં હડકંપ મચી ગયો છે. આ મામલે હવે ગાંધીનગર સુધી પડઘા પડ્યા છે અને મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીએ આર.એમ.સી. (RMC) ના પદાધિકારીઓને તલબ કર્યા છે.
શું છે સમગ્ર કૌભાંડ?
જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન વિડિયોગ્રાફી કરનાર મુકેશ ચૌહાણ નામના વિડિયોગ્રાફરે મીડિયા સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, તેમને એક દિવસના માત્ર 2,000 રૂપિયા મળ્યા હતા અને તેમણે એક દિવસ જ આ કામગીરી કરી હતી. તેમ છતાં, સમગ્ર કામગીરી માટે વિડિયોગ્રાફીનું બિલ રૂ. 24 લાખ જેટલું તોતિંગ બનાવવામાં આવ્યું છે અને આ રકમ કોન્ટ્રાક્ટરને ચૂકવી પણ દેવામાં આવી છે.
24 લાખના બિલ સામે માત્ર 7 લાખનો ખર્ચ
ગણતરી મુજબ, કુલ 305 કેમેરામેન આ કામગીરીમાં જોડાયા હોવા છતાં, વાસ્તવિક ખર્ચ વધુમાં વધુ 6 થી 7 લાખ રૂપિયા જ થાય તેમ છે. આમ, 24 લાખ રૂપિયાનું બિલ કેવી રીતે બન્યું અને કોના ખિસ્સામાં આ રકમ ગઈ, તે સૌથી મોટો પ્રશ્ન છે. આ ગંભીર મામલે કોર્પોરેશન દ્વારા તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી છે.
ગાંધીનગરમાં આર.એમ.સી.ના પદાધિકારીઓના લેવાશે ક્લાસ
જંગલેશ્વર બિલ કૌભાંડે રાજકીય રંગ પકડ્યો છે. આ વિવાદના પડઘા ગાંધીનગર સુધી પહોંચતા, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા આર.એમ.સી.ના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓને ગાંધીનગર તેડું મોકલવામાં આવ્યું છે. આજે યોજાનારી મહત્વની બેઠકમાં મેયર નેહલ શુક્લ અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આ સમગ્ર પ્રકરણ અંગે ખુલાસો કરવો પડશે. સરકાર આ કૌભાંડને લઈને પદાધિકારીઓ અને અધિકારીઓના ક્લાસ લે તેવી પૂરી શક્યતા છે.
આ પણ વાંચો: Ahmedabad News: અમદાવાદના નિકોલમાં વિદ્યાર્થીને થપ્પડ મારવાનો મામલો, કાનના પડદાને નુકસાન થતા શિક્ષક સસ્પેન્ડ, ABVP નો ઉગ્ર વિરોધ