Rajkot Jungleshwar Demolition Scam: રાજકોટ મહાનગરપાલિકા (RMC) અને તેના સત્તાધીશો ફરી એકવાર વિવાદોના વંટોળમાં ફસાયા છે. જંગલેશ્વર ડિમોલિશન મામલે મનપાના સત્તાધીશો દ્વારા જનતાને માત્ર પોકળ વાયદાઓ આપવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. ગઈકાલે રાજકોટના મેયર ડો. નેહલ શુક્લ દ્વારા શહેરમાં દૂષિત પાણીના વિતરણ અંગે કરવામાં આવેલા નિવેદનો અને અગાઉના જંગલેશ્વર કૌભાંડના કાળા ડિબાંગ સત્યોએ મનપાના વહીવટી તંત્રની પોલ ખોલી નાખી છે. શું મનપાના મેયર પ્રજાને મૂર્ખ બનાવી રહ્યા છે અને કૌભાંડ દબાવવા માટે ખુલ્લેઆમ જૂઠ્ઠાણા ફેલાવી રહ્યા છે? તેવા સવાલો હવે શહેરમાં ચર્ચાના એરણે ચડ્યા છે.
જંગલેશ્વર ડિમોલિશન કૌભાંડ: મેયરના વાયદાઓ માત્ર કાગળ પર જ રહી ગયા?
રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન મામલે મનપા દ્વારા શરૂઆતમાં મોટી-મોટી વાતો કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવિકતામાં કંઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી.
તપાસ કમિટીના નામે મીંડું: શરૂઆતમાં પત્રકાર પરિષદ બોલાવીને તપાસ કમિટી બેસાડી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની મોટી મોટી વાતો કરવામાં આવી હતી. પરંતુ તપાસ કમિટીને ૧ માસથી વધુ સમય વીતી ચૂક્યો હોવા છતાં ન તો કોઈ તપાસ થઈ કે ન તો કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી. જ્યારે મીડિયા દ્વારા આ અંગે સવાલ પૂછવામાં આવે ત્યારે એવું રટણ કરવામાં આવે છે કે "જૂના પદાધિકારીઓને બદનામ નથી કરવા માંગતા."
ચુપચાપ બિલની ચૂકવણી: પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે જેના પણ બિલ ચૂકવવાના બાકી છે તે અટકાવી દેવામાં આવશે, પરંતુ અંદરખાને તમામ બિલ ચૂપચાપ ચૂકવી દેવામાં આવ્યા.
બ્લેકલિસ્ટના દાવા પોકળ: પહેલા દાવો કરાયો હતો કે જે કંપનીને વિડિયોગ્રાફીનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો તેને બ્લેકલિસ્ટ કરવામાં આવશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તે જ કંપનીને ફરીથી નવું ટેન્ડર આપી દેવામાં આવ્યું.
જો તમારાથી કોઈ કાર્યવાહી ન થઈ શકતી હોય, તો શા માટે જનતાને ખોટા વાયદા આપો છો? કૌભાંડીઓ પ્રત્યે મેયરનો આટલો બધો પ્રેમ કેમ છે? તેવા સવાલો જનતા પૂછી રહી છે.
પાણીની બોટલ કૌભાંડ: કોન્ટ્રાક્ટર અને મનપાના લેખિત જવાબમાં વિરોધાભાસ
જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચ મામલે પણ મોટું જૂઠાણું સામે આવ્યું છે. 2 રૂપિયાની પાણીની બોટલના 10 રૂપિયા ચૂકવાયા હોવાના અહેવાલ બાદ મનપાનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે:
પાણી સપ્લાય કરનાર કોન્ટ્રાક્ટર ખુલ્લેઆમ દાવો કરી રહ્યો છે કે તેનું પાણીનું પેમેન્ટ/બિલ ચૂકવાઈ ગયું છે.
બીજી બાજુ, કોંગ્રેસના કોર્પોરેટરે પૂછેલા સવાલના જવાબમાં મનપાના અધિકારીઓએ લેખિતમાં એવું બતાવ્યું છે કે પાણીનું બિલ હજુ બાકી છે.
મેયર અને મનપાના અધિકારીઓ જનરલ બોર્ડમાં પણ સરેઆમ જૂઠું બોલી રહ્યા છે. પેમેન્ટ ચૂકવાઈ ગયું હોવા છતાં લેખિતમાં બિલ બાકી બતાવીને મનપા આ સમગ્ર કૌભાંડને દબાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહી છે, જે સાબિત કરે છે કે જંગલેશ્વરમાં મોટું નાણાકીય કૌભાંડ આચરવામાં આવ્યું છે.
દૂષિત પાણી વિતરણના મુદ્દે મેયરનો સ્વીકાર અને અહંકારી વલણ
એક તરફ ભ્રષ્ટાચારના આક્ષેપો પર પડદો પાડવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ ખુદ રાજકોટના મેયર ડો. નેહલ શુક્લે શહેરમાં દૂષિત પાણીનું વિતરણ થઈ રહ્યું હોવાનો સ્વીકાર કર્યો છે. ગુજરાત ફર્સ્ટના કાર્યક્રમમાં જ્યારે મેયરને આ અંગે આકરા સવાલો પૂછવામાં આવ્યા ત્યારે તેઓ અકળાઈ ગયા હતા અને અહંકાર દર્શાવતા જણાવ્યું હતું કે "સવાલ પૂછવાથી કે સત્ય બોલવાથી પરિસ્થિતિમાં કોઈ ફેર પડતો નથી."
મેયરે પોતાના બચાવમાં આપ્યા આ તર્ક
મેયરે જણાવ્યું હતુ કે, 2024 થી દર મહિને વોર્ડ પ્રમાણે ડેટા લેવામાં આવે છે અને આરએમસીની વેબસાઈટ પર અપલોડ થાય છે.ચોમાસાને કારણે નદી-નાળામાં પાણી આવે એટલે પાણી દૂષિત થાય છે, જોકે ફિલ્ટરેશન કરીને જ પાણી વિતરણ કરાય છે. ચોમાસા પહેલા જૂની પાણીની પાઇપલાઇનમાં ડ્રેનેજનું પાણી ભળી જવાથી પાણી દૂષિત થતું હોય છે. જ્યાં નવી લાઈન છે ત્યાં લોકો પોતાની રીતે કનેક્શન લે છે જેથી પાઇપલાઇનમાં તિરાડ પડે છે અને ડ્રેનેજનું પાણી ભળે છે.
આ પણ વાંચો: Rajkot News: 45 વર્ષીય પ્રેમિકા કરતી હતી લગ્નનું દબાણ, 25 વર્ષના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાડી મોતને ઘાટ ઉતારી!