Rajkot: લિફ્ટ બંધ, ભોજન ખરાબ! સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ અને ABVP કર્યું ઉગ્ર વિરોધ પ્રદર્શન
- રાજકોટ (Rajkot) ની સમરસ ગર્લ્સ હોસ્ટેલ (Samaras Girls Hostel) માં વિરોધ
- પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનો આરોપ
- ABVP અને વિદ્યાર્થીઓએ કર્યું વિરોધ પ્રદર્શન
- રેક્ટરને અનેકવાર ફરિયાદ કરી છતાં પરિણામ શૂન્ય
Rajkot: શિક્ષણના હબ ગણાતા રાજકોટ (Rajkot) માં સરકારી છાત્રાલયોની સ્થિતિ કથળી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટની સમરસ ગર્લ્સ હોસ્ટેલ (Samaras Girls Hostel) માં રહેતી સેંકડો વિદ્યાર્થીનીઓએ પ્રાથમિક સુવિધાઓના અભાવે આજે હોસ્ટેલ કેમ્પસમાં સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા અને તંત્રની ઉદાસીનતા સામે રોષ વ્યક્ત કર્યો હતો.
રાજકોટ (Rajkot) ની સમરસ ગર્લ્સ હોસ્ટેલ (Samaras Girls Hostel) માં વિરોધ
વિદ્યાર્થીનીઓના જણાવ્યા અનુસાર, હોસ્ટેલમાં મળતું ભોજન અત્યંત હલકી ગુણવત્તાનું છે. પીવાનું પાણી પણ ગંદુ અને સ્વાસ્થ્ય માટે હાનિકારક આવી રહ્યું છે, જેના કારણે બીમારીનો ડર સતાવી રહ્યો છે. આ ઉપરાંત, બહુમાળી બિલ્ડિંગમાં વારંવાર લિફ્ટ બંધ થઈ જતી હોવાથી ઉપરના માળે રહેતી વિદ્યાર્થીનીઓને દાદરા ચડીને જવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. વિદ્યાર્થીનીઓએ આક્ષેપ કર્યો છે કે આ સમસ્યાઓ અંગે અગાઉ અનેકવાર રેક્ટરને મૌખિક અને લેખિત ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ રેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
સમરસ બોયઝ હોસ્ટેલમાં પણ વિદ્યાર્થીઓએ કર્યો હતો વિરોધ
નોંધનીય છે કે અગાઉ સમરસ બોયઝ હોસ્ટેલમાં પણ આ જ પ્રકારની અસુવિધાઓને લીધે વિરોધ વંટોળ ઉઠ્યો હતો. હવે ગર્લ્સ હોસ્ટેલમાં પણ સ્થિતિ વણસતા વિદ્યાર્થીનીઓએ ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં પીવાના પાણી, ભોજન અને લિફ્ટની સુવિધામાં સુધારો કરવામાં નહીં આવે તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. હોસ્ટેલમાં રહેતી દીકરીઓની સુરક્ષા અને સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં સામે હવે વાલીઓમાં પણ ચિંતાની લાગણી જોવા મળી રહી છે.
આ પણ વાંચો: Studio On Wheels: મહેસાણાની ગલીઓથી સંસદના હોલ સુધી, મયંકભાઈ નાયકે કેવી રીતે જીત્યું પક્ષ અને જનતાનું દિલ?


