મેયરના વિસ્તાર સહિત 4 વોર્ડમાં દૂષિત પાણીનું સંકટ
મનપાના આરોગ્ય અને વોટર વર્ક્સ વિભાગે લીધેલા નમૂનાના રિપોર્ટમાં મોટો ભાંડો ફૂટ્યો છે. ખાસ કરીને મેયરના વોર્ડ નંબર 7 સહિત વોર્ડ નંબર 4, 8 અને 6 માં વિતરણ કરવામાં આવતા પાણીમાં જોખમી બેક્ટેરિયાની હાજરી મળી આવી છે. આ વિસ્તારોમાં વસતા હજારો પરિવારોના માથે હવે રોગચાળાનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે. આ અહેવાલ બહાર આવતા જ સ્થાનિક રહીશોમાં મનપાની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પાણીના નમૂનાની તપાસમાં 6 સેમ્પલ ફેઈલ
નોંધનીય છે કે, રાજકોટ મનપાએ શહેરના તમામ 18 વોર્ડમાંથી કુલ 8214 પાણીના સેમ્પલ લીધા હતા. લેબોરેટરી તપાસ દરમિયાન આ સેમ્પલમાંથી 6 જેટલા પાણીના નમૂના સંપૂર્ણપણે ફેઈલ સાબિત થયા છે. સરકારી લેબના રિપોર્ટ અનુસાર આ નમૂનાઓમાં બેક્ટેરિયાની હાજરી જોવા મળી છે. આ આંકડો ભલે નાનો હોય, પરંતુ જે વિસ્તારોના સેમ્પલ સકારાત્મક નથી આવ્યા, ત્યાં પીવાનું પાણી ઝેર સમાન બની ગયું છે.
ગટરનું પાણી પીવાની લાઇનમાં ભળી જતાં સમસ્યા
આ ગંભીર સમસ્યા પાછળ મનપાની ડ્રેનેજ સિસ્ટમની નાકામી જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. ભૂર્ગભ ગટરનું ગંદુ પાણી લીકેજ થવાના કારણે પીવાના પાણીની મુખ્ય સપ્લાય લાઇનમાં ભળી ગયું હતું. આ દૂષિત મિશ્રણ સીધું લોકોના ઘર સુધી પહોંચી ગયું અને તેના કારણે જ પાણીમાં બેક્ટેરિયા ફેલાયા છે. તંત્રની આ આંતરિક ખામી નાગરિકોના સ્વાસ્થ્ય માટે અત્યંત ખતરનાક સાબિત થઈ રહી છે.
વોટર વર્ક્સ વિભાગે લોકોને સાવધ રહેવા અપીલ કરી
આ ગંભીર પરિસ્થિતિને પગલે મનપાના વોટર વર્ક્સ વિભાગે તાત્કાલિક અસરથી બચાવ કામગીરી શરૂ કરી છે. અધિકારીઓએ નાગરિકોને ખાસ અપીલ કરી છે કે જો કોઈના વિસ્તારમાં ગંદુ કે વાસ મારતું પાણી આવતું હોય, તો તરત જ મહાનગરપાલિકાને જાણ કરવી. તંત્ર લાઈનોનું શુદ્ધિકરણ કરવાની કવાયત કરી રહ્યું છે, પરંતુ ત્યાં સુધી લોકોને પાણી ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવી છે.
મેયર નેહલ શુક્લનો બચાવ
દૂષિત પાણીને લઈને શહેર મેયર નેહલ શુક્લએ બચાવ કર્યો છે. તેમણે નિવેદન આપ્યું છે કે, દર મહિને તંત્ર ચેકિંગ કરતું હોય છે, તો સાથે જ તેમણે પાણીના સેમ્પલમાં બેક્ટેરિયા મળ્યા હોવાનો સ્વીકાર કર્યો છે. મેયરે કહ્યું કે, જે સ્થળે બેક્ટેરિયા જોવા મળ્યા છે. ત્યાં સમારકામ કરી દેવામાં આવ્યું છે. ચોમાસા પહેલા પાણીની ચકાસણી જરૂરી છે. દૂષિત પાણીને લગતી જરૂરી સૂચનાઓ અધિકારીને આપી દેવામાં આવી હોવાનું પણ મેયરે નિવેદન આપ્યું છે.
આ પણ વાંચો--- Rajkot News: રાજકોટ મનપાનું આખરી અલ્ટીમેટમ, 792 જર્જરીત આવાસ 5 દિવસમાં ખાલી કરવા કડક નોટિસ